ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ખેલાડીઓની હરાજી મંગળવાર, 19 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈના કોકા-કોલા એરેના ખાતે થઈ હતી. આ હરાજીમાં અનકેપ્ડ ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. ફ્રેન્ચાઇઝીઓએ તેમના માટે તેમની તિજોરી ખોલી નાંખી. ચેન્નાઈ સુપર કિંગ્સે સમીર રિઝવી માટે 8.40 કરોડ રૂપિયા અને દિલ્હી કેપિટલ્સે કુમાર કુશાગ્ર માટે 7.20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક માટે રેકોર્ડ બોલી લગાવવામાં આવી હતી. KKR એ તેને 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
કેપ્ટન પેટ કમિન્સ IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે તેના માટે 20 કરોડ 50 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આ રેકોર્ડ અગાઉ ઈંગ્લેન્ડના સેમ કુરાનના નામે હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ડેરીલ મિશેલ માટે 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ટીમમાં રચિન રવિન્દ્ર અને શાર્દુલ ઠાકુરને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
હર્ષલ પટેલ અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય છે જેના માટે પંજાબ કિંગ્સે 11 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચ્યા છે. પ્રથમ સેટના ખેલાડીઓમાં વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ સૌથી મોંઘો હતો, જેને રાજસ્થાન રોયલ્સે 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેરી બ્રુક રૂ. 4 કરોડમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને રૂ. 6.8 કરોડમાં ખરીદ્યો.
કરોડપતિ બનેલા અનકેપ્ડ ખેલાડીઓ
આઈપીએલ હરાજી 2024 માં ખેલાડીઓ પર ધનવર્ષા થઇ છે. આઇપીએલ હરાજી 2024 અનકેપ્ડ ખેલાડીઓ માટે પણ ફળી છે. ચેન્નાઇએ સમીર રિઝવીને સૌથી વધુ કિંમત ₹ 8.40 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે ગુજરાતે શાહરુખ ખાનને ₹ 7.40 કરોડમાં, દિલ્હીએ કુમાર કુશાગ્ર ને ₹ 7.20 કરોડમાં, રાજસ્થાને શુભમ દુબે ને ₹ 5.80 કરોડમાં, બેંગ્લોરે યશ દયાલ ને ₹ 5 કરોડમાં, લખનઉએ એમ સિધ્ધાર્થને ₹ 2.40 કરોડમાં અને સુશાંત મિશ્રાને ગુજરાતે ₹ 2.20 કરોડમાં ખરીદ્યો છે.





