Team India Cricketer 100th Test Match Performance : ક્રિકેટર માટે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ ઐતિહાસિક ક્ષણ હોય છે. દરેક ક્રિકેટર શાનદાર પ્રદર્શન કરીને આ ઐતિહાસિક મેચને યાદગાર બનાવવા ઇચ્છે છે. અત્યાર સુધી (6 માર્ચ 2024) 13 ખેલાડીઓએ ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમી છે. સચિન તેંડુલકરે (200) ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે.
અશ્વિન 14મો ભારતીય ક્રિકેટર બનશે
ગુરુવારે ધર્મશાળામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ કરિયરની 100મી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ સાથે જ તે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર 14મો ભારતીય ખેલાડી બની જશે. ચાલો તમને જણાવીએ કે અશ્વિન પહેલા ભારત માટે 100 ટેસ્ટ રમનાર 13 ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું છે? સુનીલ ગાવસ્કર ભારત માટે 100મી ટેસ્ટ રમનાર પ્રથમ ભારતીય હતા. પૂજારાએ ભારત માટે છેલ્લી 100મી ટેસ્ટ રમી હતી.
13 ભારતીય ક્રિકેટરોનો તેમની 100મી ટેસ્ટ મેચમાં દેખાવ
સુનીલ ગાવસ્કર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે 17 ઓક્ટોબર 1984ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે તેની 100મી ટેસ્ટ રમી હતી. ગાવસ્કર ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટમાં તેની 100મી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતર્યા હતા. ગાવસ્કર માટે, તેની 100મી ટેસ્ટ ઐતિહાસિક નહોતી કારણ કે તે આ મેચની પ્રથમ ઇનિંગમાં 48 રન અને બીજી ઇનિંગમાં 37 રન બનાવી શક્યા હતા. ત્રણ મેચની આ શ્રેણી 0-0થી ડ્રો રહી હતી. પ્રથમ બે મેચ ડ્રો રહી હતી અને ત્રીજી મેચ રદ કરવામાં આવી હતી કારણ કે તે સમયે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ હતી.
કપિલ દેવ
1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે 15 નવેમ્બર 1989ના રોજ કરાચીમાં પાકિસ્તાન સામે પોતાની 100મી ટેસ્ટ રમી હતી. તે 100 ટેસ્ટ રમનાર પ્રથમ બોલર બન્યા છે. સચિન તેંડુલકરે પણ આ મેચમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. કપિલ દેવે આ મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. આ મેચમાં તેમણે 8મા નંબર પર બેટિંગ કરી અડધી સદી પણ ફટકારી હતી.
સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાની 100મી ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે 5 સપ્ટેમ્બર 2002ના રોજ લંડનમાં રમી હતી. સચિને આ મેચમાં એક જ દાવમાં 54 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 515 રન બનાવ્યા હતા. આ પછી ભારતે પ્રથમ દાવમાં 508 રન બનાવ્યા હતા.
અનિલ કુંબલે
ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ 18 ડિસેમ્બર 2005ના રોજ અમદાવાદમાં શ્રીલંકા સામે તેમની કારકિર્દીની 100મી ટેસ્ટ રમી હતી. આ મેચમાં અનિલ કુંબલેએ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. હરભજન સિંહે પ્રથમ મેચમાં 7 વિકેટ ઝડપી હતી. કુંબલેએ આ મેચમાં 5 વિકેટ લઈને મુરલીધરન અને શેન વોર્નના રેકોર્ડની બરાબરી કરી હતી. વોર્ન અને મુરલીધરને તેમની 100મી ટેસ્ટમાં 5 વિકેટ ઝડપી હતી.
રાહુલ દ્રવિડ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે તેમની 100મી ટેસ્ટ 18 માર્ચ 2006ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. રાહુલ દ્રવિડ આ મેચની પ્રથમ ઇનિંગમાં 52 રન અને બીજી ઇનિંગમાં 60 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. દ્રવિડની 100મી ટેસ્ટમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી.
સૌરવ ગાંગુલી
દાદાએ 26 ડિસેમ્બર 2007ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં પોતાની 100મી ટેસ્ટ રમી હતી. આ એકતરફી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 337 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારત બંને ઈનિંગમાં 200થી વધુ રન બનાવી શક્યું ન હતું, પરંતુ સૌરવ ગાંગુલીએ પ્રથમ દાવમાં 43 અને બીજી ઈનિંગમાં 40 રનનું યોગદાન આપ્યું હતું.
વીવીએસ લક્ષ્મણ
ભારતીય ટેસ્ટ ટીમના સૌથી સફળ ખેલાડીઓમાંના એક વીવીએસ લક્ષ્મણે 6 નવેમ્બર 2008 ના રોજ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે તેમની 100મી ટેસ્ટ રમી હતી. પાંચમા નંબર પર બેટિંગ કરી રહેલા લક્ષ્મણે 64 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચમાં સચિનની સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 172 રનથી હરાવ્યું હતું. આ મેચની બીજી ઇનિંગમાં લક્ષ્મણ માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.
વિરેન્દ્ર સેહવાગ
મુલ્તાનના સુલતાન ના નામે પ્રખ્યાત નજફગઢના આ નવાબે 23 નવેમ્બર 2012ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે પોતાની 100મી ટેસ્ટ રમી હતી. સેહવાગ માટે આ ક્રિકેટ મેચ યાદગાર બની શકી નહી કારણ કે તેમણે બંને ઇનિંગ્સમાં કુલ 39 રન બનાવ્યા હતા. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલી એ 4 માર્ચ, 2022ના રોજ મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ ક્રિકેટ કરિયરની 100મી ટેસ્ટ મેચ રમી હતી. વિરાટ કોહલી એ આ મેચની પ્રથમ બેટિંગમાં 45 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં શ્રીલંકાને 222 રનથી હરાવ્યું હતું.
ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વરા પૂજારાએ 17 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે તેની 100મી ટેસ્ટ રમી હતી. પૂજારા આ મેચમાં બેટિંગની કમાલ દેખાડી શક્યો નહોતો. પ્રથમ દાવમાં તે 7 બોલ રમ્યા બાદ 0 રને બોલ્ડ થયો હતો. નાથન લિયોને તેની વિકેટ ઝડપી હતી. બીજી બેટિંગમાં તેણે અણનમ 31 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.