Team India Head Coach Salary: ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ માટે નવા કોચ ની શોધ શરુ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આ પદ માટે અરજીઓ મંગાવી છે. જૂનમાં ટી-20 વર્લ્ડ કપના અંત બાદ ટીમના નવા કોચનો કાર્યકાળ શરુ થશે.જે આગામી સાડા ત્રણ વર્ષનો રહેશે. બીસીસીઆઈએ પ્રથમ વખત આટલા લાંબા ગાળા માટે અરજી મંગાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ભારત અને વિદેશના અલગ-અલગ નામોની અટકળો થઇ રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ટીમ ઇન્ડિયાના હેડ કોચનો વાર્ષિક પગાર કેટલો હોય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી વધારે અમીર બોર્ડ
ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી વધારે અમીર બોર્ડ છે. જેથી કોચનો પગાર પણ ઘણો વધારે હોય છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલી જાહેરાતમાં નવા કોચના પગારની સ્થિતિ વિશે લખવામાં આવ્યું છે કે આ વાતચીત યોગ્યતા અને અનુભવ પર આધારિત હશે. જોકે કોચ અને નિષ્ણાંતોના અગાઉના પગારની વાત માનીએ તો BCCI નવા મુખ્ય કોચને વાર્ષિક 15 કરોડ રૂપિયા સુધીનો પગાર ઓફર કરી શકે છે.
આ પણ વાંચો – રાહુલ દ્રવિડ હવે નથી બનવા માંગતા ટીમ ઇન્ડિયાના હેડ કોચ, વીવીએસ લક્ષ્મણે પણ અરજી કરી નથી – રિપોર્ટ્સ
રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રીને વાર્ષિક પગાર કેટલો મળતો હતો
રિપોર્ટ પ્રમાણે ભારતના પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી 2017માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા ત્યારે BCCIએ તેમને તેમની કોમેન્ટ્રીમાંથી મળનારી રકમને પણ ભરપાઈ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ મુખ્ય કોચને BCCI પાસેથી વાર્ષિક 8 કરોડ રૂપિયાની ફી મળતી હતી, જે સમયની સાથે વધીને 10 કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી. રાહુલ દ્રવિડની કોચ તરીકે વાર્ષિક 10 કરોડ રૂપિયાનો પગાર મળતો હતો.
દ્રવિડને વર્ષ 2021માં બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે પછી ગયા વર્ષે 2023માં વર્લ્ડ કપમાં ટીમ ફાઇનલમાં પહોંચ્યા પછી દ્રવિડનો કરાર બીજા કેટલાક મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. હવે દ્રવિડનો કાર્યકાળ જૂનમાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ સુધીનો છે.





