Team India Home Test Series Record : ભારતીય ટીમ 42 દિવસ બાદ ગુરૂવારે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં મેદાનમાં ઉતરી છે. ગૌતમ ગંભીર કોચ બન્યા બાદ ભારતીય ટીમ પહેલીવાર સફેદ કપડામાં રમતી જોવા મળી છે. ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા પછી રાહુલ દ્રવિડની કોચિંગ કારકિર્દીનો અંત આવ્યો હતો. આ પછી ગૌતમ ગંભીરને કોચની જવાબદારી મળી હતી. ગંભીરના કાર્યકાળની શરૂઆત 27 વર્ષ એટલે કે 1997 પછી પ્રથમ વખત શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવાની સાથે થઈ હતી. જોકે અગાઉ ટી-20 શ્રેણીમાં ભારતે જીત મેળવી હતી.
બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને તેના જ ઘરમાં 2-0થી હરાવ્યું હતું અને ઇતિહાસ રચીને ભારત પ્રવાસે આવી છે. તે આત્મવિશ્વાસથી ભરેલી છે. જોકે ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ફેવરિટ લાગી રહી છે. છેલ્લા 12 વર્ષ અને 51 ટેસ્ટના આંકડા દર્શાવે છે કે ભારતીય ટીમને તેના જ હોમગ્રાઉન્ડ પર હરાવવું અશક્ય કામ છે.
ભારતીય ટીમે 2012માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી
ભારત પ્રવાસ પર ટેસ્ટ રમવા આવનારી ટીમ એક મેચ જીતે છે તે પણ સારી વાત ગણાય છે. સામાન્ય ટીમોનો વ્હાઇટવોશ થાય છે. ભારતીય ટીમે 2012માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. વર્તમાન કોચ ગૌતમ ગંભીરને આ સિરીઝ બાદ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે માત્ર 4 ટેસ્ટ જ રમી શક્યો હતો. 2014માં 2 ટેસ્ટ અને 2016માં 2 ટેસ્ટ રમી હતી.
આ પણ વાંચો – ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ, જાણો પીચ, મોસમ, લાઇવ સ્ટ્રીમિંગ અને અન્ય ડિટેલ્સ
રવિન્દ્ર જાડેજાએ કર્યું હતું ડેબ્યૂ
એલિસ્ટર કૂકની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે 2012માં 4 મેચની શ્રેણી 2-1થી જીતી હતી. હાલની ભારતીય ટીમમાં તે શ્રેણીમાંથી હજુ ત્રણ ખેલાડીઓ છે. રવિન્દ્ર જાડેજાએ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમમાં હતા. ગંભીરે 4 મેચની 6 સિરીઝમાં 253 રન બનાવ્યા હતા. કોહલીએ 4 મેચમાં 7 ઇનિંગ્સમાં 188 રન બનાવ્યા હતા. ભારત માટે ચેતેશ્વર પૂજારાએ 4 મેચની 7 ઇનિંગ્સમાં 438 રન બનાવ્યા હતા. અશ્વિને 14 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ ઘરઆંગણે પ્રવાસી ટીમો પર હાવી
આ પછી ભારતીય ટીમે પોતાની ભૂમિ પર પ્રભુત્વસભર દેખાવ કર્યો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. 12 વર્ષમાં ટીમ 17 સિરીઝમાં 51 ટેસ્ટ રમી છે. જેમાં 40માં વિજય થયો છે ફક્ત 4 મેચમાં જ પરાજય થયો છે. ટીમ 37 મેચમાં એક ઈનિંગ્સ અથવા 100થી વધુ રન કે 8 વિકેટથી જીત મેળવી છે. 4 ટેસ્ટમાં પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે ટીમ ઇન્ડિયા સામે જીત મેળવી છે.





