India Tour of Bangladesh Schedule 2025: ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટ 2025માં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે અને ત્યાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડેની શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. તમામ મેચો બાંગ્લાદેશના મીરપુર અને ચિત્તાગોંગમાં રમાશે. બીસીસીઆઇએ પ્રવાસનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.
આ પ્રવાસની શરૂઆત ત્રણ વન-ડેની શ્રેણીથી થશે. મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં 17 ઓગસ્ટથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. આ જ મેદાન પર 20 ઓગસ્ટે બીજી વન ડે રમાશે. ત્રીજી વન ડે 23મી ઓગસ્ટે ચિત્તાગોંગમાં રમાશે. આ પછી ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે. ભારત અને બાંગ્લાદેશ ટી 20 શ્રેણી 26 ઓગસ્ટથી ચિત્તાગોંગમાં શરૂ થશે.
બીજી ટી 20 મેચ 29 ઓગસ્ટે મીરપુરમાં રમાશે. આ મેદાન પર 31 ઓગસ્ટના રોજ શ્રેણીની ત્રીજી ટી 20 મેચ રમાશે. ભારતીય ટીમ બાંગ્લાદેશમાં પ્રથમ વખત દ્વિપક્ષીય ટી 10 શ્રેણી રમશે.
ભારત છેલ્લે 2022માં બાંગ્લાદેશમાં વન ડે શ્રેણી રમ્યું હતું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2024માં ટી-20 શ્રેણી રમાઈ હતી. બાંગ્લાદેશે તે શ્રેણી માટે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ભારતે આ શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ભારત છેલ્લે 2022માં બાંગ્લાદેશમાં વન ડે શ્રેણી રમ્યું હતું. ત્યારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ સામેની શ્રેણી બાદ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા અને વિન્ડિઝની યજમાની કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
આ પણ વાંચો – સચિનની પુત્રી સારા તેંડુલકરે ક્રિકેટ ટીમ ખરીદી, કહ્યું – આ મારા પ્રેમ માટે છે
આ શ્રેણી અમારા ઘરેલુ કેલેન્ડરની સૌથી રોમાંચક ઇવેન્ટ છે – નિઝામુદ્દીન ચૌધરી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિઝામુદ્દીન ચૌધરીએ આ શ્રેણી અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ શ્રેણી અમારા ઘરેલુ કેલેન્ડરની સૌથી રોમાંચક અને સૌથી શાનદાર ઇવેન્ટ છે. ભારતે તમામ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. બંને દેશોના કરોડો ક્રિકેટ પ્રેમીઓ આ શ્રેણીને ચોક્કસથી માણશે. બાંગ્લાદેશ અને ભારત તાજેતરના વર્ષોમાં કેટલીક ખૂબ જ નજીકની મેચો રમ્યા છે. મને વિશ્વાસ છે કે આ વધુ એક સખત સંઘર્ષપૂર્ણ અને મનોરંજક શ્રેણી હશે.
ભારત બાંગ્લાદેશ પ્રવાસ 2025નો કાર્યક્રમ
- પ્રથમ વન-ડે : 17 ઓગસ્ટ, 2025, મીરપુર
- બીજી વન-ડે : 20 ઓગસ્ટ, 2025, મીરપુર
- ત્રીજી વન-ડે : 23 ઓગસ્ટ, 2025, ચિત્તાગોંગ
- પ્રથમ ટી-20 : 26 ઓગસ્ટ, 2025, ચિત્તાગોંગ
- બીજી ટી-20 : 29 ઓગસ્ટ, 2025, મીરપુર
- ત્રીજી ટી-20 : 31 ઓગસ્ટ, 2025, મીરપુર





