Tennis Premier League (TPL) Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ની સાતમી સિઝન અમદાવાદમાં રમાઇ રહી છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે બુધવારે જીએસ દિલ્હી એસિસ અને ચેન્નાઈ સ્મેશર્સ વચ્ચે રમાઇ હતી. જેમાં દિલ્હી એસિસે જીત મેળવી હતી.
મહિલા સિંગલ્સ મુકાબલો સોફિયા કોસ્ટાઉલાસ અને ઈરિના બારા વચ્ચે રમાયો હતો. 20 વર્ષીય બેલ્જિયન ખેલાડી સોફિયા કોસ્ટાઉલાસે પોતાની ટીમ GS દિલ્હી એસિસને 17-8 થી જીત અપાવી હતી. ત્યારબાદ તેણે મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં જીવન નેદુન્ચેઝિયાન સાથે જોડી બનાવી અને ઈરિના બારા અને રિત્વિક બોલીપલ્લી સામે 14-11 થી જીત મેળવીને પોતાનો વિજય સિલસિલો યથાવત્ રાખ્યો હતો. કોસ્તૌલાસ અને જીવન બંનેએ કોર્ટમાં જબરદસ્ત ઉર્જા બતાવી હતી તે ગતિના આધારે GS દિલ્હી એસિસે મિક્સ્ડ ડબલ્સમાં 16-9 થી પ્રભાવશાળી જીત નોંધાવી હતી.
પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં, બિલી હેરિસે ડાલિબોર સ્વર્સિના સામે જીત મેળવી હતી. ટૂર્નામેન્ટ પહેલા જબરદસ્ત ફોર્મમાં રહેલા સ્વર્સિનાએ 13-12 થી નજીકની જીત સાથે ચેન્નાઈ સ્મેશર્સ માટે મેચ પાછી લાવ્યો હતો. જોકે કુલ પોઈન્ટની દ્રષ્ટિએ, GS દિલ્હી એસિસના બિલી હેરિસ અને જીવન નેદુન્ચેઝિયાનની જોડીએ પુરુષોની ડબલ્સ કેટેગરીમાં વિજય મેળવી 56-44 ની જીત મેળવી અને દિલ્હીનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.
યશ મુંબઈ ઇગલ્સનો વિજય
સાંજના બીજી મેચમાં એસજી પાઇપર્સ બેંગલુરુનો સામનો યશ મુંબઈ ઇગલ્સ સાથે થયો હતો. ઇગલ્સે કુલ 51-49થી મેચ જીતી લીધી હતી. મહિલા સિંગલ્સમાં રિયા ભાટિયાએ શાનદાર પ્રદર્શન કર્યું, જેનાથી ઇગલ્સને શ્રીવલ્લી ભામિદીપતી સામે શરૂઆતમાં 17-8ની લીડ મળી હતી. ત્યારબાદ તેણે મિક્સ ડબલ્સમાં નિકી પૂનાચા સાથે મળીને એસજી પાઇપર્સની ભામિદીપતી/બોપન્નાની જોડીનો સામનો કર્યો. બેંગલુરુની જોડીએ 14-11થી જીત મેળવી હતી.
આ પણ વાંચો – શુભમન ગિલ 13 ઇનિંગ્સમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી, ક્યાં સુધી સેમસનને બેન્ચ પર બેસાડી રખાશે
પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં રામકુમાર રામનાથને દામીર ઝુમહુરનો સામનો કર્યો અને શાનદાર પ્રદર્શન કરીને વિશ્વના 57મા ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો હતો. એસજી પાઇપર્સ બેંગલુરુ માટે માર્કી પ્લેયર તરીકે રમતા રામકુમારે 15-10થી જીત સાથે પોતાની ટીમને ફરીથી નિયંત્રણમાં લાવી દીધી હતી.
મેન્સ ડબલ્સમાં રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાએ નિકી પૂનાચા અને દામીર ઝુમહુરનો સામનો કર્યો, જેમાં યશ મુંબઈ ઇગલ્સની જોડી 13-12થી વિજયી બની હતી. તેમનો આ વિજય મહત્વપૂર્ણ સાબિત થયો કારણ કે ઇગલ્સે કુલ 51-49થી મેચ જીતી લીધી.





