ipl 2023 : આઇપીએલ 2023માં હવે સમાપ્ત થઇ ગઇ છે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ગુજરાત ટાઇટન્સને હરાવી પાંચમી વખત ચેમ્પિયન બની છે. આઈપીએલની આ સિઝનમાં ઘણા યુવા પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે. આ યુવા પ્લેયર્સની બેટિંગ જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળશે. આવા કેટલાક યુવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ માટે આઈપીએલ 2023ની સિઝન શાનદાર રહી છે. આ સિઝનમાં દમદાર પ્રદર્શન કરનાર અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર્સની લિસ્ટમાં ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વીએ 14 મેચમાં 625 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ 163.61ની રહી છે. આ સિઝનમાં ફાસ્ટેસ્ટ અડધી સદીનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો.
રિંકુ સિંહ
રિંકુ સિંહને કેકેઆરે આ સિઝન માટે 55 લાખમાં ખરીદ્યો હતો પરંતુ તેનું પ્રદર્શન તેની ટીમમાં કરોડો રૂપિયા મેળવનારા ખેલાડીઓ કરતા ઘણું સારું હતું. રિંકુ સિંહે આ સિઝનમાં કેકેઆર માટે રમાયેલી 14 લીગ મેચમાં 4 અડધી સદીની મદદથી 474 રન બનાવ્યા હતા. તે ટીમ માટે બેસ્ટ ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામે અંતિમ 5 બોલમાં 5 સિક્સર ફટકારીને જબરજસ્ત જીત અપાવી હતી. ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય તો પણ ટીમને જીત અપાવવા સક્ષમ છે.
આ પણ વાંચો – આઈપીએલનો સૌથી મોંઘો રન 1 કરોડ, 8 લાખ રૂપિયામાં પડ્યો, હેરી બ્રુકનો 1 રન 6 લાખ 97 હજારમાં પડ્યો
સાઇ સુદર્શન
સાઇ સુદર્શને આઈપીએલની ફાઇનલમાં મેચમાં 96 રન બનાવી ગુજરાત ટાઇટન્સને વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી. સુદર્શન માટે આ સિઝન શાનદાર રહી છે અને તે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવવાનો દાવેદાર છે. તેણે આ સિઝનમાં 8 મેચમાં 3 અડધી સદી સાથે 362 રન બનાવ્યા હતા. તેણે 51.71ની એવરેજથી રન બનાવ્યા હતા.
તિલક વર્મા
મુંબઈ ઇન્ડિયન્સનો તિલક વર્મા પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. તિલકે 11 મેચમાં 343 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદી ફટકારી હતી. ટીમને જ્યારે જરૂર હતી ત્યારે તેણે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. મિડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સ્થિતિમાં કામ આવી શકે છે.
સુયશ શર્મા
કોલકાતા નાઇટ રાઇડર્સના મિસ્ટ્રી સ્પિનર સુયશ શર્મા પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરવા સફળ રહ્યો છે. તેની અજીબ એક્શન પણ ચર્ચામાં રહી હતી. આઈપીએલની આ સિઝનમાં સુયશે 11 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. તે ટીમ ઇન્ડિયામાં સ્પિનરના વિકલ્પ તરીકે એન્ટ્રી કરી શકે છે.





