AUS vs IND 1st Test Travis Head: બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 અંતર્ગત પર્થ ખાતે ભારત વિ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. ભારતે બીજી ઇનિંગમાં મોટો સ્કોર ખડકી ઓસ્ટ્રેલિયા માટે મુસીબત ઉભી કરી છે. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની શરુઆતની વિકેટો સસ્તામાં પાડી જીતનો રસ્તો આસાન કર્યો પરંતુ ભારત માટે દુશ્મન ગણાતો ટ્રેવિસ હેડ ફરી એકવાર ભારતની જીત વચ્ચે અડીખમ ઉભો રહી ગયો હતો.
ટ્રેવિસ હેડ રમતમાં આવતાં તેણે એક છેડો સાચવી ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિ લાવી દીધું. હાફ સેન્ચ્યૂરી ફટકારી સદી તરફ આગળ વધી રહેલો ટ્રેવિસ હેડ ભારતની જીત માટે ખતરો બની રહ્યો હતો. જોકે જસપ્રીત બુમરાહે બોલિંગમાં આવી ફરી એકવાર પોતાની કરામત બતાવી અને ટ્રેવિસ હેડને 89 રનના સ્કોર પર ઋષભ પંતના હાથમાં કેચ કરાવી આઉટ કરી ટીમ ઇન્ડિયાની જીત આડેનો આડશ હટાવી દીધી.
અહીં નોંધનિય છે કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ ભારતની જીત છીનવી જવા માટે જાણીતો છે. વર્ષ 2023 વર્લ્ડ કપની ફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિસ્ફોટક ઇનિંગ રમી ભારતને હરાવ્યું હતું. બીજે ક્યાંય ચાલે ન ચાલે પરંતુ ભારત સામે રમતો ટ્રેવિસ હેડ ટીમ ઇન્ડિયા માટે ખતરારુપ છે.
ટ્રેવિસ હેડ ટેસ્ટ રમતની વાત કરીએ તો 49 મેચમાં 81 ઇનિંગમાં 3175 રન બનાવ્યા છે. 175 રનનો સર્વાધિક સ્કોર છે. વન ડે ક્રિકેટમાં 69 મેચમાં 2625 રન બનાવ્યા છે. જેમાં તેણે 154 રનની અણનમ ઇનિંગ પણ સામેલ છે. ટી20 ક્રિકેટમાં 38 મેચમાં સર્વાધિક 91 રનની ઇનિંગ સાથે તેણે કૂલ 1093 રન કર્યા છે. IPL ટુર્નામેન્ટમાં 25 મેચમાં 102 રનની ઇનિંગ સાથે તેણે 772 રન બનાવ્યા છે.





