Sports Budget 2025 : જમીની સ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવાની અને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રમુખ યોજના ‘ખેલો ઇન્ડિયા’ ને 1 ફેબ્રુઆરી, 2025, શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં સૌથી મોટો ફાયદો થયો છે. રમતગમત માટે ફાળવણીમાં કુલ 351.98 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આનો સૌથી મોટો ભાગ ખેલો ઇન્ડિયા કાર્યક્રમમાં જશે.
આ મહત્વાકાંક્ષી યોજનાને નાણાકીય વર્ષ 2025-26 માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે 2024-25 માટે 800 કરોડ રૂપિયાની ગ્રાન્ટથી 200 કરોડ રૂપિયા વધારે છે. યુવા બાબતો અને રમત મંત્રાલયને કુલ રુપિયા 3,794.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ ગત વર્ષ કરતા 351.98 કરોડ રૂપિયા વધુ છે.
રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ ‘એક્સ’ પર આ બજેટની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ રમતગમતના બુનિયાદી માળખાને મજબૂત કરવાની સાથે ખેલો ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે અને યુવા-કેન્દ્રિત વિકાસની પહેલને વિસ્તૃત કરશે. તેનાથી ખેલાડીઓની આગામી પેઢી સશક્ત બનશે. આ વધારો તે વાતને ધ્યાનમાં રાખતા વધારે છે કે આવતા વર્ષે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે એશિયન ગેમ્સ જેવી કોઈ મોટી સ્પોર્ટ્સની ઈવેન્ટ નથી.
રાષ્ટ્રીય ખેલ મહાસંઘો માટે નજીવો વધારો
રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને સહાય માટે નિર્ધારિત રકમ 340 કરોડ રૂપિયાથી વધારીને 400 કરોડ રૂપિયા કરવામાં આવી છે. ભારત હાલમાં 2036ના ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે મહત્વાકાંક્ષી દાવેદારીની તૈયારી કરી રહ્યું છે. ભારતે આ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને લેટર ઓફ ઇન્ટેન્ટ સુપરત કર્યો છે.
આ પણ વાંચો – બજેટ 2025 ખેડૂતોને શું મળ્યું? કિસાન ક્રેડિટ કાર્ડ, ધન ધાન્ય યોજના અંગે કરાઇ મોટી જાહેરાત
રાષ્ટ્રીય શિબિરોના સંચાલન અને ખેલાડીઓની તાલીમ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરી પાડવા માટેની નોડલ સંસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) માટે ફાળવણી 815 કરોડ રૂપિયાથી વધારીને 830 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એસએઆઈ દેશભરના સ્ટેડિયમોની જાળવણી અને ઉપયોગ માટે પણ જવાબદાર છે.
નાડાને મળશે 23 કરોડ રૂપિયા
નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (નાડા) માટે પણ આવો જ વધારો જાહેર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષમાં તેને 23 કરોડ રૂપિયા મળશે, જે 2024-25માં 18.70 કરોડ રૂપિયા હતા. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સીનું બજેટ રુપિયા 20.30 કરોડથી વધારીને રુપિયા 24.30 કરોડ કરવામાં આવ્યું છે. વર્ષ 1998માં સ્થપાયેલા નેશનલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ફંડમાં રુપિયા 18 કરોડનું પ્રદાન સતત બીજા વર્ષે પણ જારી રહેશે.
ખેલાડીઓની પ્રોત્સાહન રકમ ઘટાડી
સરકારે રમતવીરોને પ્રોત્સાહન માટેની ગ્રાન્ટ 42. 65 કરોડ રૂપિયાથી ઘટાડીને 37 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. યુવા અને કિશોર વિકાસ અને યુવા છાત્રાલયો માટેના રાષ્ટ્રીય કાર્યક્રમના ભંડોળમાં પણ આવા જ કાપની જાહેરાત કરવામાં આવી છે. જો કે બહુપક્ષીય સંસ્થાઓ અને યુવા આદાન-પ્રદાન કાર્યક્રમોમાં યોગદાન 11.70 કરોડ રૂપિયાથી વધારીને 55 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં રમતગમત માટે 20 કરોડ રૂપિયાનું ભંડોળ
જમ્મુ-કાશ્મીરમાં રમતગમતની સુવિધાઓ વધારવા માટે 20 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા 14 કરોડ રૂપિયાનો વધારો છે. વધેલા બજેટનો મોટો ભાગ નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ને આપવામાં આવશે. જેમાં 450 કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષ કરતા 200 કરોડ રૂપિયા વધારે છે. રાષ્ટ્રીય સેવા યોજનાનો ઉદ્દેશ શાળાઓ અને કોલેજોમાં યુવાનોના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. આ એક એવી યોજના છે જે સામાજિક કાર્ય અને સામુદાયિક સેવા દ્વારા યુવાનોને આકાર આપવાની દિશામાં કામ કરે છે.





