Urvil Patel Fastest Century : ગુજરાતના ઉર્વિલ પટેલે આક્રમક બેટિંગ કરતા ટી 20માં 28 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ ઉર્વિલ પટેલ ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેણે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો છ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પંતે 2018માં 32 બોલમાં ટી 20માં સદી ફટકારી હતી, જે ભારતની અત્યાર સુધીની સૌથી ફાસ્ટેસ્ટ સદી હતી.
આઈપીએલની મેગા હરાજીના બે દિવસ પછી ઉર્વિલે આ સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે ઉર્વિલને આઈપીએલની હરાજીમાં કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો ન હતો.
ઉર્વિલ પટેલે 35 બોલમાં 113 રન બનાવ્યા
ઉર્વિલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત તરફથી રમે છે. તેણે બુધવારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે સદી ફટકારી હતી. તેણે 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગ્સમાં 12 સિક્સર અને સાત ફોર સામેલ હતી. 322.86ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા તેણે 35 બોલમાં 113 રન બનાવ્યા હતા.
ઉર્વિલે ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો
ઉર્વિલ હવે ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બની ગયો છે. તેણે ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. 2018માં પંતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય 29 નવેમ્બરે નક્કી થશે, પાકિસ્તાન ના માન્યું તો ICC ઉઠાવી શકે છે આ પગલું
જો ઉર્વિલે સદી પૂરી કરવા માટે એક બોલ ઓછો લીધો હોત તો તે વિશ્વનો સૌથી ઝડપી ટી-20 સદી ફટકારનાર ખેલાડી બની ગયો હોત. આ રેકોર્ડ હાલ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે આ વર્ષે 27 બોલમાં સદી ફટકારી હતી.
ટી-20માં સૌથી ઝડપી સદી
- 27 બોલ – સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા) વિ. સાયપ્રસ, 2024
- 28 બોલ – ઉર્વિલ પટેલ (ગુજરાત) વિ. ત્રિપુરા, 2024
- 30 બોલ – ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) વિ. પૂણે વોરિયર્સ, 2013
- 32 બોલ – ઋષભ પંત (દિલ્હી કેપિટલ્સ) વિ. હિમાચલ પ્રદેશ, 2018
ઉર્વિલ પટેલે લિસ્ટ એ માં 41 બોલમાં સદી ફટકારી હતી
એક વર્ષ પહેલા આ જ તારીખે ઉર્વિલે વધુ એક મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે લિસ્ટ એ ની બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. વિજય હઝારે ટ્રોફીની મેચમાં તેણે અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી. આ મામલે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ હજુ પણ પ્રથમ સ્થાને છે, જેણે 40 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી