India U19 vs England U19 2025: સૌથી નાની વયે IPL ડેબ્યુ કરનાર ભારતીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી શાનદાર પ્રદર્શનથી ઇંગ્લેન્ડમાં પણ ચમકી ઉઠ્યો છે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની અંડર-19 ટીમ ઇન્ડિયાએ પાંચ વન ડે મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું છે. આ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ રન ફટકારી પોતાની શક્તિનો પરચો આપ્યો છે.
ભારત U19 vs England U19 યુથ વન-ડે શ્રેણીની આખરી અને પાંચમી વન ડે સોમવાર, 7 જુલાઈ 2025ની રાત્રે રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમ વિજયી બની હતી. આખરી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત U19એ 50 ઓવરમાં 9 વિકેટે 210 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની અંડર-19 ટીમે 31.1 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન પર 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારત U19 3-2થી શ્રેણી જીત્યું
ભારત અને ઇંગ્લેન્ડ અંડર-19 યુવા ટીમ વચ્ચેની યુવા શ્રેણી ટીમ ઇન્ડિયાએ જીતી છે. પાંચ મેચની આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 3 અને ઇંગ્લેન્ડ યુવા ટીમ 2 મેચ જીત્યું હતું. ભારતીય યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.
- પ્રથમ વન ડે: ભારત U-19 ટીમ 6 વિકેટથી જીતી
- બીજી વન ડે – ઇંગ્લેન્ડ U-19 ટીમ એક વિકેટથી જીતી
- ત્રીજી વન ડે – ભારત U-19 ટીમ 4 વિકેટથી જીતી
- ચોથી વન ડે – ભારત U-19 ટીમની 55 રનથી જીત
- પાંચમી વન ડે – ઇંગ્લેન્ડ U-19 ટીમનો 7 વિકેટથી વિજય
આ પણ વાંચો – કેન્સરથી ઝઝુમી રહી છે આકાશદીપની બહેન , પિતા અને ભાઇનું પણ થઇ ગયું છે નિધન, મેચ પછી કર્યો ખુલાસો
વૈભવ સૂર્યવંશી શ્રેણીનો સૌથી વધુ સ્કોરર
વૈભવ સૂર્યવંશી શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવામાં મોખરે છે. તેણે 5 ઇનિંગમાં 71 ની એવરેજ અને 174 સ્ટ્રાઇક રેટ સાથે 355 રન બનાવ્યા. તેણે 30 ચોગ્ગા અને 29 છગ્ગા ફટકાર્યા હતા. એક મેચમાં સૌથી વધુ રન કરવાની યાદીમાં પણ ટોચ પર છે. તેણે 5 જુલાઈ 2025 ના રોજ વોર્સેસ્ટરમાં રમાયેલી ચોથી યુથ વનડેમાં 78 બોલમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 143 રન (183.33 ની સ્ટ્રાઇક રેટ) બનાવ્યા હતા.





