Vignesh Puthur IPL 2025: કેરળનો 24 વર્ષિય યુવા ખેલાડી વિગ્નેશ પુથુર કે જેણે સિનિયર સ્તરે ક્યારેય T20 મેચ રમી નથી. પરંતુ યુવા ખેલાડીઓને તક આપવા જાણીતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રવિવારે આઈપીએલ 2025 ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં વિગ્નેશ પુથુરને તક આપી. ડાબા હાથના ચાઇનામેન બોલર વિગ્નેશ પુથુરે ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડાની વિકેટ લઇ સૌને ચોંકાવી દીધા.
આઈપીએલ ડેબ્યૂ મેચમાં મહત્વની 3 વિકેટ ઝડપી સૌની નજરમાં આવેલા વિગ્નેશ પુથુર અંગે મુંબઈ ઈન્ડિયન્સ બોલિંગ કોચ પારસ મહામ્બ્રે જણાવે છે કે, અમને લાગે છે કે, મુંબઈ ઇન્ડિયન્સનો વિચાર હંમેશા અન્ય કોઇ વસ્તુ કરતાં ક્ષમતાને વધુ જોવાનો હોય છે. અમે જ્યારે આ યુવા ખેલાડીનો ટ્રાયલ જોયો ત્યારે અમે તે કેટલી મેચ રમ્યો છે એ કરતાં એની ક્ષમતા પર ભાર મુક્યો હતો.
પારસ મહામ્બ્રે વધુમાં જણાવે છે કે, વિગ્નેશ બોલને ખૂબ જ સ્પિન કરે છે અને નિર્ધારિત સ્પોટ પર બોલ ફેંકી શકે છે. તેની બોલિંગમાં ઘણી વિવિધતા છે. તે એની કુશળ બોલિંગથી ગુણવત્તાવાળા બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુકી શકે એમ છે. આ યુવા ખેલાડી ઘણી રીતે કુશળ છે.
વિગ્નેશ પુથુર સિનિયર લેવલ ક્રિકેટ રમ્યો નથી
સાહિત્યમાં એમએ કરી રહેલ વિગ્નેશ એક ઓટો ડ્રાઈવરનો પુત્ર છે . જે હજુ સુધી કેરળ માટે સિનિયર-લેવલ ક્રિકેટ રમ્યો નથી. રવિવારે તેના આઈપીએલ ડેબ્યૂમાં, ચાઈનામેનએ સીએસકે સામે ત્રણ વિકેટ લીધી. ટીમની હાર છતાં, મુંબઈ ઈન્ડિયન્સના સ્કાઉટિંગ યુનિટે રવિવારે રાત્રે ખુશી વ્યક્ત કરી હશે.
ડેબ્યૂ મેચમાં ગાયકવાડ, દુબે અને હુડ્ડાની વિકેટ ઝડપી
જ્યારે રાત્રે MI માટે ચાર ડેબ્યુટન્ટ્સમાંથી એક – વિગ્નેશ પુથુર તેની ટીમના IPL ઓપનર દરમિયાન આઠમા ઓવરમાં બોલિંગ કરવા આવ્યો , ત્યારે ચેન્નઈ 156 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું. તેણે રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડાની વિકેટો ઝડપીને ચેન્નઈને રાત્રે પહેલી વાર દબાણમાં મૂક્યું.
યુવા પ્રતિભાને તક આપવા મુંબઈ ઈન્ડિયન્સ અગ્રેસર
ક્રિકેટના મુખ્ય કેન્દ્રોથી દૂર નવી પ્રતિભાઓને શોધવાનું આજકાલ મુંબઈ માટે એક સારી આદત બની ગયું છે. જસપ્રીત બુમરાહથી લઈને પંડ્યા ભાઈઓ અને તિલક વર્માથી લઈને નેહલ વાઢેરા સુધી, તેઓ દર સીઝનમાં આ કરતા રહે છે. વિગ્નેશ સાથે તેમણે ખરેખર વિશ્વાસની વિશાળ છલાંગ લગાવી છે.
જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે સાહિત્યમાં એમએ કરી રહેલા વિગ્નેશને હરાજીમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો, ત્યારે આઈપીએલનો રસ્તો ઘણો દૂરનો લાગતો હતો. પરંતુ એમઆઇએ ઓટો રિક્ષા ચાલકના પુત્ર વિગ્નેશ પુથુરને આઈપીએલ 2025 સિઝનની એમની પહેલી મેચમાં તક આપી યુવા ખેલાડીનું સપનું સાકાર કર્યું છે.
ચેન્નઇ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું
IPL પહેલા, MI એ DY પાટિલ ટુર્નામેન્ટમાં તેનો ટેસ્ટ કર્યો હતો. રિલાયન્સ માટે રમતા, તે ત્રણ મેચમાં રમ્યો હતો પરંતુ તેણે ફક્ત બે વિકેટ લીધી હતી. પરંતુ તેમ છતાં, તેને સીધો જ IPL રમાડવાનો મોટો નિર્ણય હતો.





