140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા લોહી કઢાવ્યું, વાળ કપાવ્યા

Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 : વિનેશ ફોગાટે રાતોરાત વજન ઘટાડવા માટે ઘણી કઠોર રીતો અજમાવી હતી. 100 ગ્રામ વજન વધારે થતા સ્પર્ધામાંથી અયોગ્ય જાહેર કરાઇ

Written by Ashish Goyal
Updated : August 07, 2024 23:45 IST
140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા લોહી કઢાવ્યું, વાળ કપાવ્યા
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની અધ્યક્ષ પીટી ઉષાએ વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરી હતી (તસવીર - એએનઆઈ)

Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં મંગળવારે રેસલર વિનેશ ફોગાટને ઓવરવેટના કારણે ડિસક્વોલિફાય કરી દેવામાં આવી છે. વિનેશ ફોગાટને મહિલાની 50 કિલો કેટેગરીમાં ફાઇનલમાં રમવાનું હતું પણ મેચ પહેલા કરવામાં આવેલા વજનમાં તેનો 100 ગ્રામ વજન વધારે થઇ ગયો હતો.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની અધ્યક્ષ પીટી ઉષાએ કહ્યું કે વિનેશની અયોગ્યતા ઘણી ચોંકાવનારી છે. મેં થોડા સમય પહેલા જ ઓલિમ્પિક વિલેજ પોલિક્લિનિકમાં વિનેશ સાથે મુલાકાત કરી હતી અને તેને આઈઓએ અને પુરા દેશ તરફથી પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. અમે વિનેશને તમામ તબીબી સહાય અને ભાવનાત્મક ટેકો આપી રહ્યા છીએ. કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાએ યુનાઈટેડ વર્લ્ડ કુસ્તી (યુડબલ્યુડબલ્યુ)નો સંપર્ક સાધ્યો છે. તે તેના પર યથાસંભવ સખત કાર્યવાહી કરી રહ્યું છે. વિનેશની મેડિકલ ટીમ દ્વારા આખી રાત કરવામાં આવેલા અથાગ પ્રયાસોથી હું વાકેફ છું.

વિનેશે વજન ઘટાડવાના આકરા ઉપાયો અજમાવ્યા

વિનેશ ફોગાટે વજન ઘટાડવામાં કોઇ કસર છોડી ન હતી. તેના વાળ કાપ્યા હતા, તેના કપડા ટૂંકા કર્યા હતા. શરીરમાંથી લોહી કાઢ્યું હતું. આખી રાત ઊંઘ પણ ન હતી. પાણી પણ પીધું ન હતું. આ સિવાય વધારાનું વજન ઓછું કરવા માટે સતત જોગિંગ, સ્કિપિંગ અને સાઇકલિંગ કર્યું હતું. પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ ગયા હતા.

સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, જ્યારે બીજું બધું નિષ્ફળ ગયું ત્યારે કોચે વિનેશના વાળ કાપી નાખ્યા અને લોહી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પરિણામ મળ્યું ન હતું. આ આકરાં પગલાંને કારણે વિનેશ નબળી, દુર્બળ અને ડિહાઇડ્રેટેડ બની ગઇ હતી. ચક્કર આવવા અને થોડા સમય માટે બેભાન થતા તેને ઓલિમ્પિક વિલેજની અંદર આવેલા મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ચીફ મેડિકલ ઓફિસર ડો.દિનશા પારડીવાલાએ કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ મુકાબલા પહેલા વિનેશ ફોગાટનું વજન 2 કિગ્રા વધી ગયું હતું. આ પછી તેનું વજન ઘટાડવા માટે આકરાં પગલાં લેવામાં આવ્યાં હતાં. દિનશા પારડીવાલાએ જણાવ્યું હતું કે વજન માપતી વખતે વિનેશ 100 ગ્રામ વધારાનું વજન ઘટાડી શકી ન હતી. વિનેશે રાતોરાત વજન ઘટાડવા માટે ઘણી કઠોર રીતો અજમાવી હતી, જેમાં માથાના વાળ કાપવા, કપડાં ટૂંકાવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – વિનેશ ફોગાટ : , સમજો કુસ્તીમાં કેવી રીતે હોય છે વજનનું ગણિત

તેમણે કહ્યું કે કુસ્તીબાજો સામાન્ય રીતે પોતાના વજન કરતા ઓછા વજનવાળી કેટેગરીમાં ભાગ લે છે, તેનાથી તેમને ફાયદો થાય છે કારણ કે આવી સ્થિતિમાં તેઓ ઓછા મજબુત હરિફો સામે લડતા હોય છે. તેમણે કહ્યું કે એથ્લીટ્સ વજન ઓછું કરવા માટે ઘણો પરસેવો પાડવો પડે છે. આ માટે ખાવા અને પીવાનાં પાણી ઉપર પણ ખૂબ જ કંટ્રોલ કરવો પડે છે.

વિનેશ ફોગાટનું વજન સામાન્ય કરતા વધારે વધી ગયું

ડો.દિનશા પારડીવાલાએ જણાવ્યું હતું કે વિનેશ ફોગાટના ન્યુટ્રિશન નિષ્ણાતને સામાન્ય પ્રક્રિયાથી વધુ વજન ઘટાડવાની અપેક્ષા હતી. તેમણે ઉમેર્યું હતું કે મંગળવારે ત્રણ મુશ્કેલ મુકાબલા પછી તે કામ કરી શક્યું નહીં. વિનેશના મંગળવારે ત્રણ મુકાબલા થયા હતા. તેથી ડિહાઇડ્રેશનને રોકવા માટે થોડું પાણી આપવું પડ્યું હતું. અમને જાણવા મળ્યું કે સ્પર્ધા પછી તેનું વજન સામાન્ય કરતા વધારે વધી ગયું હતું. કોચે વજન ઘટાડવાની સામાન્ય પ્રક્રિયા શરૂ કરી હતી, જે તે હંમેશા વિનેશ સાથે અપનાવતા હતા. તેમને વિશ્વાસ હતો કે તેનાથી તેનું વજન ઓછું કરવામાં મદદ મળશે.

ચીફ મેડિકલ ઓફિસરે ડાયેટ વિશે શું કહ્યું

ડો.દિનશાએ જણાવ્યું હતું કે વજન ઘટાડવાનો ફાયદો એ છે કે ખેલાડીઓ હળવા વજનની શ્રેણીમાં આવે છે, પરંતુ તેનાથી નબળાઈ અને ઊર્જાનો અભાવ પણ થઇ જાય છે. આથી જ મોટાભાગના કુસ્તીબાજો તેમની મેચ બાદ મર્યાદિત માત્રામાં પાણી અને ઉચ્ચ ઉર્જાયુક્ત ખોરાક લે છે. આ આહાર સામાન્ય રીતે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લીધા પછી લેવામાં આવે છે. વિનેશના ન્યુટ્રિશનિસ્ટ નિષ્ણાતે લાગ્યું કે તે સામાન્ય માત્રામાં ડાયેટ લઇ રહી છે. તે આખા દિવસમાં લગભગ 1.5 કિલો છે, જે આગામી મુકાબલા માટે પૂરતી ઊર્જા માટે પૂરતા હતા. કેટલીકવાર મેચ બાદ વજન વધવાનું કારણ પણ આ જ હોય છે.

વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગયા પછી પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગયા પછી પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ક્યું કે વિનેશ, તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. વધારે મજબૂત થઇને પરત આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ