Bengaluru stampede : ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 3 મહિના પછી બેંગલુરુ ભાગદોડ મામલે વાત કરી છે. પ્રથમ વખત આઈપીએલ ટાઇટલ જીતવાની ઉજવણીમાં 4 જૂન, 2025 ના રોજ થયેલી ભાગદોડ વિશે વિરાટ કોહલીએ કહ્યું કે તે તેમની ટીમનો સૌથી ખુશીનો દિવસ હોઈ શકતો હતો જે 11 લોકોના મૃત્યુ પછી દર્દનાક બની ગયો હતો. 18 વર્ષમાં આરસીબીના પ્રથમ આઈપીએલ ટાઇટલની ઉજવણી માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 2.5 લાખ ચાહકો એકઠા થયા બાદ નાસભાગ મચી ગઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત બન્યા હતા.
અમે સાવધાની અને જવાબદારી સાથે આગળ વધીશું: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ આરસીબીના એક્સ હેન્ડલ પર કહ્યું કે તમે ક્યારેય આવી દિલ તોડનારી ઘટનાનો સામનો કરવા માંગતા નથી. જે અમારી ટીમના ઇતિહાસમાં સૌથી વધુ ખુશીની ક્ષણ હોવી જોઈતી હતી તે એક દુ:ખદ ઘટનામાં ફેરવાઈ ગઈ. વિરાટે કહ્યું કે હું પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને ઇજાગ્રસ્ત થયેલા પ્રશંસકો વિશે વિચારું છું અને પ્રાર્થના કરું છું. તમારી ખોટ હવે અમારી કહાનીનો એક ભાગ છે. આપણે સાથે મળીને સાવધાની, સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું.
પોલીસ તપાસમાં આરસીબીને જવાબદાર ઠેરવવામાં આવ્યું
આ ઘટનાની સત્તાવાર તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે અરાજકતાનું કારણ યોગ્ય મંજૂરીનો અભાવ અને વધુ પડતી ભીડ હતી, જે સોશિયલ મીડિયા પર ફ્રેન્ચાઈઝીઓ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણોને કારણે સર્જાઈ હતી. પોલીસે કબૂલ્યું હતું કે પ્રેક્ષકોને કાબૂમાં રાખવા માટે તેમની પાસે સંખ્યા બળ ઘણું ઓછું હતું. તપાસમાં આરસીબીને ચાહકોને મોટી સંખ્યામાં આવવા માટે પ્રોત્સાહિત કરવા માટે દોષી ઠેરવવામાં આવી હતી.
આ પણ વાંચો – એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની
પીડિતોના પરિવારોને 25 લાખ રૂપિયા આપશે આરસીબી
આ પછી આરસીબીએ મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી અને તેમની યાદમાં સાર્થક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. ફ્રેન્ચાઇઝીએ ‘આરસીબી કેયર્સ’ નામનું એક ફાઉન્ડેશન પણ શરૂ કર્યું હતું, જે ભવિષ્યમાં વધુ સારા ક્રાઉડ મેનેજમેન્ટ પ્રોટોકોલ તૈયાર કરવા માટે સ્ટેડિયમના અધિકારીઓ, સ્પોર્ટ્સ બોડીઝ અને લીગ ભાગીદારો સાથે મળીને કામ કરવાનું વચન આપે છે.