ભારતીય લિજેન્ડ ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં એના ડીપફેક વીડિયોને લઇને ચર્ચામાં છે. કૂત્રિમ બુદ્ધિ (AI) અને ડીપફેક ટેક્નોલોજી (Deepfack) સાથે તૈયાર કરાયેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી યુવા ક્રિકેટર શુભમન ગિલ સાથે કરાતી તુલના અંગે સ્પષ્ટતા કરતો દેખાય છે.
કૂત્રિમ બુદ્ધિ અને ડીપફેક ટેક્નોલોજીનો વધુ એક દુરુપયોગ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીનો એક ડિપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે યુવા બેટ્સમેન શુભમન ગિલ અંગે નકારાત્મક ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ક્રિકેટપ્રેમીઓમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ડિપફેક ટેક્નોલોજીથી બનાવેલા આ નકલી વીડિયોએ ફેન્સને પણ મૂંઝવણમાં મુકી દીધા છે.
વિરાટ કોહલી AI જનરેટેડ ડીપફેક વીડિયો
AI જનરેટેડ ડીપફેક વીડિયોમાં વિરાટ કોહલી પોતાની સાથે કરાતી તુલાનાથી નારાજગી દર્શાવી રહ્યો છે. કોહલી ગિલના યોગદાનને નીચું બતાવી રહ્યો છે. સચિન અને પોતાની ગિલ સાથે કરાતી તુલના કરવી હાલમાં ઉતાવળ હોવાનું કહી રહ્યો છે. પોતે અને તેંડુલકર દ્વારા પ્રાપ્ત કરાયેલ સિધ્ધિ સુધી પહોંચવું હજું ઘણું દૂર છે.
અજાણ્યા શખ્સો દ્વારા બનાવાયેલ આ ડીપફેક વીડિયોમાં વિરાટ કોહલીના અવાજમાં એવું કહેતું સાંભળી શકાય છે કે, વચન આપવા અને લિજેન્ડ બનવા વચ્ચે મોટું અંતર છે. વધુમાં વિરાટ પોતાની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે કરતો પણ સાંભળી શકાય છે.
વિરાટ કોહલી માત્ર એક જ છે
વિરાટ એવું પણ કહેતાં સાંભળી શકાય છે કે, હું ગીલને નજીકથી જોઇ રહ્યો છું, તે ઘણો પ્રતિભાશાળી છે એમાં કોઇ શંકા નથી. પરંતુ વચન આપવા અને લિજેન્ડ બનવા વચ્ચે મોટું અંતર છે. ગિલની ટેકનિક સારી છે પરંતું વિરાટ કોહલી સાથે તુલના યોગ્ય નથી. વિરાટ કોહલી માત્ર એક જ છે.
આ પણ વાંચો- નેશનલ સ્પોર્ટ્સ ડે કેમ ઉજવાય છે?
અહીં નોંધનિય છે કે, ભારતીય યુવા ખેલાડી શુભમન ગિલે તાજેતરમાં કહ્યું હતું કે, દેશને એની પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને એ પૂર્ણ કરવા તે પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જે પ્રાપ્ત કર્યું છે એની નકલ કરવી કે ત્યાં પહોંચું ઘણું જ મુશ્કેલ છે.
ડિપફેક વીડિયો કેવી રીતે બનાવાય?
ડિપફેક એ કૂત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી બનાવેલ વીડિયો છે, જેમાં કોઈ વ્યક્તિના ફેસ અને અવાજ એક સાથે મિલાવીને નકલી વીડિયો બનાવવામાં આવે છે. જેનાથી ખરેખર કોણ બોલી રહ્યું છે તે ઓળખવું મુશ્કેલ બને છે. પ્રાથમિક દ્રષ્ટિએ આવા ડીપફેક વીડિયો નકલી છે એ કહેવું મુશ્કેલ થઇ જતું હોય છે.
AI જનરેટેડ ડીપફેક વીડિયોથી સાવધાની જરુરી
વિરાટ કોહલી અને શુભમન ગિલની પ્રતિક્રિયા હાલ કોઈ પણ ભારતીય ખેલાડી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ પ્રકારના નકારાત્મક વિડિયો ખેલાડીઓના નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. અમે ડીપફેક નકલી વીડિયોની નિંદા કરીએ છીએ અને સોશિયલ મીડિયા પર સાવધાની રાખવી જરુરી છે.