Virat Kohli-Gautam Gambhir : ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેના મતભેદથી બધા પરિચિત છે. આઈપીએલમાં બંને એક વાર નહીં પરંતુ બે વાર લડતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે ગૌતમ ગંભીરને કોચ બનાવવામાં આવ્યા ત્યારે સવાલ એ ઉભો થયો હતો કે જો બંને ડ્રેસિંગ રૂમ શેર કરશે તો શું તેઓ મતભેદો ભૂલી જશે?
રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધિકારીઓને કહ્યું છે કે તે દેશના હિતમાં ગૌતમ ગંભીર સાથેની જૂના વિવાદોને ભૂલી જવા માટે તૈયાર છે. તેણે બીસીસીઆઇના ઓફિસિઅલ્સને કહ્યું છે કે ડ્રેસિંગ રુમમાં બંને વચ્ચેના પ્રોફેશનલ સંબંધો પર કોઇ અસર પડશે નહીં.
કોહલીએ પોતાને ગંભીર સાથે કામ કરવામાં સહજ ગણાવ્યો
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર કોહલીએ ગંભીર સાથે કામ કરવામાં પોતાને આરામદાયક ગણાવ્યો છે. આઇપીએલમાં બન્ને વચ્ચે થયેલા વિવાદના પગલે તેણે બીસીસીઆઇના સંબંધિત ઓફિસિઅલ્સને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ભૂતકાળના મુદ્દાઓની ડ્રેસિંગરુમમાં તેના પ્રોફેશનલ સંબંધો પર કોઈ અસર નહીં પડે.
આ પણ વાંચો – સ્કાય (SKY) ઇઝ નો લિમિટ, સૂર્યકુમાર યાદવનું 30 વર્ષે ડેબ્યૂ, 33 વર્ષે કેપ્ટનશિપ, ટી 20 કારકિર્દીની 7 મોટી વાતો
ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ બાદ થઈ ચર્ચા
બાર્બાડોસમાં રમાયેલી ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ આ મામલે ચર્ચા થઈ હતી. ગંભીરની જેમ દિલ્હીથી આવતા કોહલીએ સંબંધિત પક્ષોને આશ્વાસન આપ્યું હતુ કે તે માને છે કે બન્ને દેશના હિતમાં કામ કરી રહ્યા છે અને ભૂતકાળના મતભેદોમાંથી આગળ વધવા માટે તૈયાર છે. ભારતીય ટીમના કોચ તરીકે ગૌતમ ગંભીરનો શ્રીલંકામાં પ્રથમ પ્રવાસ હશે. વિરાટ કોહલી આ વન-ડે શ્રેણીમાં રમતો જોવા મળશે.
બન્ને વચ્ચે ક્યારે થયો હતો વિવાદ?
આઇપીએલ 2023માં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે રકઝક જોવા મળી હતી. લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન પહેલા કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે ઝઘડો થયો હતો. મેચ પુરી થયા બાદ કોહલી અને ગંભીર આમને-સામને ટકરાયા હતા. જોકે આઇપીએલ 2024માં બંને એકબીજા સાથેના મતભેદ ભૂલીને ગળે મળ્યા હતા.