Virat Kohli Test Retirement : ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને ‘કિંગ’ તરીકેની ઓળખ ધરાવતા ભારતીય ક્રિકેટના લેજન્ડ વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 14 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વ જમાવનારા કોહલીએ 12 મે 2025ના રોજ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આક્રમક બેટિંગ, ઉત્કૃષ્ટ કેપ્ટન્સી અને વિરોધી ટીમ પાસેથી જીત આંચકી લેવાની ક્ષમતા માટે પ્રખ્યાત કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, જેને ભવિષ્યમાં કોઈ પણ ખેલાડી માટે તોડવા ખુબ જ મુશ્કેલ બની જશે.
કેપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ
વિરાટ કોહલીએ 68 મેચમાં ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી હતી અને આ દરમિયાન 40 વખત ટીમને જીત અપાવી છે. જ્યારે માત્ર 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રેકોર્ડ તેને ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનાવે છે. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની તેની પાછળ છે, જેણે 60 ટેસ્ટ મેચમાં 27 વિજય મેળવ્યા છે. કોહલીનો રેકોર્ડ એટલો મજબૂત છે કે, તેને તોડવો કોઈ પણ નવા કેપ્ટન માટે મોટો પડકાર બની રહેશે.
ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય કેપ્ટન
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 123 મેચની 210 ઈનિંગમાં 9,230 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 બેવડી સદી ફટકારી છે. જે ભારતીય ટેસ્ટ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે, કારકિર્દીના શરુઆતના પાંચ વર્ષમાં કોહલીએ એક પણ બેવડી સદી ફટકારી ન હતી, પણ 2016 બાદ તેણે આ મામલે શાનદાર રેકોર્ડ્ઝની વણઝાર સર્જી હતી. 7 બેવડી સદી સાથે તે એકમાત્ર ભારતીય ટેસ્ટ કેપ્ટન છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ રેકોર્ડ તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોટી ઓળખ પણ બની ગયો છે, જેને ભવિષ્યમાં તોડવો લગભગ અશક્ય લાગી રહ્યો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીના ફિટનેસનું રહસ્ય, કેમ 2018માં બની ગયો વિગન? જાણો શું ખાઇને ચોગ્ગા છગ્ગા ફટકારે છે
સૌથી વધારે ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપથી નવો ઈતિહાસ રચ્યો હતો. કોહલી 68 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી, જે કોઇ પણ ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ છે. આ સમયગાળામાં ભારતે 40 મેચમાં વિજય મેળવ્યો હતો, 17માં પરાજય થયો હતો અને 11 મેચ ડ્રો કરી હતી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતની જીતની ટકાવારી 58.82 ટકા હતી, જે તેની નેતૃત્વ ક્ષમતાનું શાનદાર ઉદાહરણ છે. તેની વ્યુહરચના અને આક્રમક શૈલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટને નવી દિશા આપી હતી.
સેના દેશોમાં જીતનો અનોખો રેકોર્ડ
વિરાટ કોહલીએ વિદેશની ધરતી પર પોતાની કેપ્ટનશિપ સાબિત કરી હતી. તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે સેનાના દેશો – દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ વિજય મેળવ્યો છે. એટલું જ નહીં, કોહલી સેના દેશોમાં સૌથી વધુ ટેસ્ટ જીત મેળવનારો એશિયન કેપ્ટન પણ છે. આ સિદ્ધિએ તેને વિશ્વ ક્રિકેટમાં અલગ જ સ્થાન અપાવ્યું અને ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવ્યું છે.