Duleep Trophy: 5 સપ્ટેમ્બરથી શરુ થઇ રહેલી દુલીપ ટ્રોફી આ વખતે ખાસ બનવાની છે. ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમતા જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, બીસીસીઆઇની સિનિયર પસંદગી સમિતિ આ વખતે દુલીપ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી કરશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ ને ધ્યાનમાં રાખી સિનિયર પસંદગી સમિતી ખેલાડીઓની પસંદગી કરશે.
દુલીપ ટ્રોફી માટે શુભમન ગિલ, કે એલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ સહિત ખેલાડીઓને રમવા કહેવાયું છે. પસંદગી સમિતિ આ ખેલાડીઓની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગીને લઇને પણ ચર્ચા કરશે. જોકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુલીપ ટ્રોફી નહીં રમે. બુમરાહને લાંબા સમય માટે આરામ આપવામાં આવ્યો છે.
આંધ્ર પ્રદેશના અનંતપુર ખાતે દુલીપ ટ્રોફી રમાવાની હતી. પરંતુ એવું કહેવાય છે કે, આ સ્થળ એરપોર્ટ સાથે જોડાયેલું ન હોવાથી સિનિયર ખેલાડીઓને આવવાને લઇને મુશ્કેલ હોવાથી સ્થળ બદલાઇ શકે છે. સંભવિત મેદાનની વાત કરીએ તો બેંગલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર પસંદગી થઇ શકે એમ છે.
દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરુ થનાર છે. આ ટુર્નામેન્ટમાં છ મેચ રમાશે અને 24 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. અહીં નોંધનિય છે કે, 19 સપ્ટેમ્બરથી ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઇ ખાતે શરુ થવાની છે. સિનિયર ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે પ્રેક્ટિશ માટે દુલીપ ટ્રોફી રમવા માટે કહેવાયું છે.





