Virat Kohli News: વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કહ્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે, પરંતુ ટોચના અધિકારીઓએ તેને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે તેણે પોતાનું મન બનાવી લીધું છે અને બોર્ડને જાણ કરી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. ઈંગ્લેન્ડનો મહત્વનો પ્રવાસ આવી રહ્યો હોવાથી બીસીસીઆઇએ તેમને આ અંગે ફેરવિચારણા કરવા તાકીદ કરી છે. તેણે હજી સુધી આ વિનંતીનો જવાબ આપ્યો નથી.
વિરાટ કોહલીનો આ નિર્ણય રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધાના થોડા દિવસ બાદ આવ્યો છે. આગામી મહિને ઈંગ્લેન્ડમાં યોજાનારી પાંચ ટેસ્ટની શ્રેણી માટેની ટીમની પસંદગી કરવા માટે બીસીસીઆઇની સિનીયર સિલેક્શન કમિટીના સભ્યોની થોડા દિવસોમાં મિટિંગ યોજાવાની છે.
જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદથી જ પોતાના ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર વિચાર કરી રહ્યો છે. વિરાટ કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તેણે અન્ય ચાર ટેસ્ટમાં ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કર્યો હતો. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને જો વિરાટ કોહલી પોતાનો વિચાર નહીં બદલે તો આવી સ્થિતિમાં ભારત પાસે મહદઅંશે બિનઅનુભવી મિડલ ઓર્ડર રહેશે.
રોહિત-કોહલી વિના રમશે ટેસ્ટ ટીમ
તેનો મતલબ એ થયો કે ટીમ બે અનુભવી ખેલાડીઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા)ના માર્ગદર્શન વગરની રહેશે. આ બંનેએ અત્યાર સુધી લગભગ 11 વર્ષ સુધી ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે. વિરાટ કોહલી ડિસેમ્બર 2014માં ભારતનો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો અને તે પછી રોહિત ફેબ્રુઆરી 2022માં કેપ્ટન બન્યો હતો.
ટીમ યુવા કેપ્ટનની શોધમાં
આ સપ્તાહની શરુઆતમાં જ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’એ અહેવાલ આપ્યો હતો કે પસંદગીકારો નવા ટેસ્ટ ચક્ર માટે યુવા ખેલાડીને કેપ્ટન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ પછી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિતના સ્થાને શુભમન ગિલ સૌથી પ્રબળ દાવેદાર છે.
આ પણ વાંચો – રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
કોહલીની ટેસ્ટ કારકિર્દી
36 વર્ષીય વિરાટ કોહલી ભારત તરફથી 123 ટેસ્ટ મેચ રમ્યો છે અને તેણે 46.85ની એવરેજથી 9,230 રન બનાવ્યા છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં તેનો દેખાવ થોડો નબળો રહ્યો છે. આ દરમિયાન તેણે 37 મેચમાં 1,990 રન ફટકાર્યા હતા, જેમાં માત્ર ત્રણ સદી સામેલ હતી. તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેનો દેખાવ વધુ ખરાબ રહ્યો હતો, જ્યાં તેણે પાંચ ટેસ્ટમાં માત્ર 23.75ની સરેરાશથી રન ફટકાર્યા હતા. આ પ્રવાસમાં આઠમાંથી સાત વખત તે ઓફ સ્ટમ્પની બહારના બોલ પર આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસની નિરાશા
માર્ચમાં પોતાની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ના એક કાર્યક્રમમાં બોલતા કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની નિરાશાઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે કદાચ ચાર વર્ષ પછી મારો ફરીથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં થાય. તેણે તાજેતરની ટેસ્ટ નિષ્ફળતાઓના માનસિક દબાણ વિશે પણ વાત કરી હતી. કોહલીએ કહ્યું કે જ્યારે તમે બહારથી નિરાશા અને નકારાત્મક ઉર્જા લેવા લાગો છો ત્યારે તમે તમારા પર ભાર વધારો છો. પછી તમે વિચારવા લાગો છો કે આ ટૂરમાં મારી પાસે બે-ત્રણ દિવસ બાકી છે, મારે હવે કંઈક મોટું કરવું પડશે’. આ તમને વધુ ભયાવહ બનાવે છે. ઓસ્ટ્રેલિયામાં મેં આવું અનુભવ્યું હતું.
(અહેવાલ – દેવેન્દ્ર પાંડે)