Virat Kohli Test Retirement: વિરાટ કોહલી એ ટેસ્ટ મેચ માંથી રિટાયરમેન્ટ લેવાની ઘોષણા કરી છે. ભારતીય ક્રિકેટર કિંગ કોહલીએ 12 મે 2025ના રોજ બપોરે 11:43 વાગ્યે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ટેસ્ટ મેચ માંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ કિટમાં એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. “ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ફોર્મેટ મને કઈ મુસાફરીમાં લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું આખી જિંદગી મારી સાથે રાખીશ.
વિરાટ કોહલીની ભાવુક પોસ્ટ
વિરાટ કોહલીએ લખ્યું, ‘સફેદ કપડામાં રમવું ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની-નાની એવી પળો જે કોઈ જોતું નથી પણ જે તમારી સાથે કાયમ રહે છે. જ્યારે હું આ ક્રિકેટ ફોર્મેટથી દૂર જઇ રહ્યો છુંં, ત્યારે તે સરળ નથી હોતું, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેને મારું બધું જ આપ્યું છે અને તેણે મને અપેક્ષા કરતા વધારે આપ્યું છે. હું ખરેખર આ રમત માટે, મેદાન પર રમી રહેલા લોકો અને આ સફરમાં મને સાથે લઈ જનારા દરેકનો આભારી છું. હું હંમેશા હાસ્ય સાથે મારી ટેસ્ટ કરિયર તરફ પાછું વળીને જોઈશ.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ કરિયર
વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે જૂન 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સટનમાં રમાયેલી મેચથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2025માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જૂન 2011થી જાન્યુઆરી 2025 દરમિયાન વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી હતી. તેણે 210 ટેસ્ટ ઇનિંગ્સમાં 46.85ની એવરેજ સાથે 9230 રન બનાવ્યા હતા. જેમાં તેની 30 સદી અને 31 હાફ સેન્ચ્યુરી સામેલ છે.





