‘એકદમ બદલી ગયો વિરાટ’,પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી એરપોર્ટ પર જાપ માળા સાથે સ્પોટ થયો, જુઓ Video

Virat Kohli News : વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ મોટા નિર્ણયના એક દિવસ બાદ જ વિરાટ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો, જ્યાં તેણે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા

Written by Ashish Goyal
May 16, 2025 15:06 IST
‘એકદમ બદલી ગયો વિરાટ’,પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી એરપોર્ટ પર જાપ માળા સાથે સ્પોટ થયો, જુઓ Video
વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર જાપ માળા સાથે જોવા મળ્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Virat Kohli News : ભારતીય ક્રિકેટ લેજન્ડ વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી. આ મોટા નિર્ણયના એક દિવસ બાદ જ વિરાટ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો, જ્યાં તેણે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. આ દ્રશ્ય માત્ર ક્રિકેટ ચાહકો માટે જ નહીં, પરંતુ તેમના આધ્યાત્મિક અનુયાયીઓ માટે પણ એક ખાસ ક્ષણ બની ગઇ હતી.

વૃંદાવનમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ અને અનુષ્કા વૃંદાવનના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. ચાહકોએ વિરાટની આ આધ્યાત્મિક બાજુ જોયા પછી તેની સાદગી અને શાંતિની પ્રશંસા કરી. આશ્રમમાંથી બહાર નીકળતી વખતે વિરાટના હાથમાં જાપ માળા જોવા મળી હતી, જે તેના આધ્યાત્મિક ઝુકાવને વધુ સ્પષ્ટ કરે છે.

વિરાટે પોતાના ચાહકોનું અભિવાદન કર્યું અને હળવા સ્મિત સાથે એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું હતું. આ સમય દરમિયાન તેની શાંત અને સંયમિત હાજરીએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ દ્રશ્ય તે ખેલાડીની કહાનીને વધુ ઉંડી બનાવે છે જેણે ક્રિકેટના મેદાન પર તેની આક્રમકતા અને ઝનૂનથી વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં ઝળહળતી કારકિર્દીનો અંત

સોમવારે વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જેના કારણે ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઇ હતી. 123 ટેસ્ટ મેચની કારકિર્દીમાં તેણે 46.85ની સરેરાશથી 9,230 રન ફટકાર્યા હતા, જેમાં 30 સદી સામેલ હતી. તેની કેપ્ટન્સીમાં ભારતે 68માંથી 40 ટેસ્ટ જીતી હતી, જે કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ જીત છે.

વિરાટનો આ નિર્ણય ઘણા લોકો માટે અનપેક્ષિત હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે મને વિરાટનો આ નિર્ણય આશ્ચર્યજનક લાગ્યો. મને લાગતું હતું કે તેની પાસે હજુ બે-ત્રણ વર્ષનું ટેસ્ટ ક્રિકેટ બાકી છે. પરંતુ જ્યારે તમે માનસિક રીતે થાકી જાઓ છો અને દબાણમાં આવી જાવ છો, ત્યારે શરીર પણ તેનો પ્રતિસાદ આપે છે.

આ પણ વાંચો – 80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ

માનસિક થાક અને સતત દબાણ

શાસ્ત્રીએ આઈસીસીની સમીક્ષામાં ખુલાસો કર્યો હતો કે તેણે નિવૃત્તિની જાહેરાતના એક અઠવાડિયા પહેલા જ વિરાટ સાથે વાત કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે વિરાટનું મન સંપૂર્ણપણે સ્પષ્ટ હતું. તેણે કહ્યું કે તેણે બધું જ આપ્યું અને હવે તેને કોઈ અફસોસ નથી.

શાસ્ત્રીએ વિરાટની લોકપ્રિયતા અને તેના પર સતત દબાણને પણ રેખાંકિત કર્યું હતું. રવિ શાસ્ત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં વિરાટ કરતા વધુ કોઈ પણ ક્રિકેટરનો આટલો મોટો ચાહક વર્ગ નથી. ઓસ્ટ્રેલિયા હોય કે સાઉથ આફ્રિકા, તેણે પોતાની હાજરીને સહારે રમતને રોમાંચક બનાવી હતી. તેની તીવ્રતા અને ઉત્સાહ એક ચિનગારી જેવો હતો, જે માત્ર ડ્રેસિંગરુમમાં જ નહીં, પણ પ્રેક્ષકોમાં પણ ફેલાઈ જાય છે. પરંતુ આ તીવ્રતા અને સતત લોકોની નજરમાં રહેવાથી તેને માનસિક રુપે થકવી દીધો.

આઈપીએલ 2025 માં વાપસી

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં વિરાટનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ઓછો થયો નથી. તે શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઈપીએલ 2025ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મેદાનમાં ઉતરશે. પ્રશંસકો ફરી એકવાર પોતાના ફેવરિટ ખેલાડીને એ આક્રમક અને જુસ્સાદાર અંદાજમાં જોવા માટે તલપાપડ છે, જેના કારણે વિરાટ ક્રિકેટનો ‘કિંગ’ બની ગયો છે.

વિરાટની આધ્યાત્મિક બાજુ

વિરાટ અને અનુષ્કાની વૃંદાવનની મુલાકાત તેમના અંગત જીવનના તે પાસાને પ્રદર્શિત કરે છે જે કદાચ ક્રિકેટના મેદાનની ઝગમગાટથી પરે છે. જાપ માળા અને પ્રેમાનંદ મહારાજને મળવાથી તેમનો આધ્યાત્મિક ઝુકાવ બહાર આવ્યો. તે દર્શાવે છે કે એક ખેલાડી તરીકેની તેની સિદ્ધિઓ પછી વિરાટ હવે શાંતિ અને આધ્યાત્મિક માર્ગદર્શન સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માંગે છે.

વાયરલ વીડિયોમાં આવી રહી છે અલગ અલગ પ્રકારની કોમેન્ટ

વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રશંસકોની ઘણી કોમેન્ટો આવી રહી છે. કેટલાક લોકો કહે છે કે વિરાટ અચાનક કેમ બદલાઇ ગયો. કેટલાક લોકો કહી રહ્યા છે કે વિરાટ હવે ક્રિકેટ છોડીને બાબા બની જશે. કેટલાક અનુષ્કા શર્માની પરેશાનીઓ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ