Virender Sehwag Seperation News : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત લગ્નના 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા હોવાના અહેવાલ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર 2004માં લગ્ન કરનાર આરતી અને સહેવાગે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેના કારણે તેમના રિલેશનશિપ સ્ટેટસ વિશે અફવાઓ ફેલાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેહવાગ અને આરતી અહલાવત છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહે છે અને બંને વચ્ચે છૂટાછેડાની શક્યતા છે.
સેહવાગ-આરતીએ અલગ થવાનો નિર્ણય કર્યો
આક્રમક બેટિંગ સ્ટાઈલ માટે જાણીતો 46 વર્ષીય સેહવાગ અને આરતીને બે દીકરા છે. તેમના મોટા પુત્ર આર્યવીરનો જન્મ 2007 માં થયો હતો જ્યારે નાના પુત્ર વેદાંતનો જન્મ 2010 માં થયો હતો. ગત વર્ષે દિવાળી પર સેહવાગે પોતાના બે બાળકો અને માતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ આરતીનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સેહવાગ અને આરતી અહલાવતના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ હતો, જેના કારણે તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
સેહવાગ અને આરતીના લગ્ન 2004માં થયા હતા
સેહવાગે એપ્રિલ 2004માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન સમારોહ ભાજપના પૂર્વ નેતા સ્વર્ગીય અરુણ જેટલીએ તેમના નિવાસસ્થાને યોજ્યો હતો. સેહવાગને તેના યુગના શ્રેષ્ઠ આક્રમક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવતો હતો. સેહવાગે પહેલી વખત 1999માં ભારત માટે વન ડે રમી હતી અને 2001માં તે ભારતીય ટેસ્ટ ટીમમાં જોડાયો હતો.
આ પણ વાંચો – પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ખુલાસો, કહ્યું – ગૌતમ ગંભીર મા-બહેન વિશે અપશબ્દો કહેતા હતા
સેહવાગ ભારતનો વાઇસ કેપ્ટન પણ રહ્યો હતા
સેહવાગે ભારતના નિયમિક કેપ્ટનની ગેરહાજરીમાં સ્ટેન્ડ ઈન કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી, તેની સાથે સાથે ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન પણ બન્યો હતો. આઇપીએલમાં તે દિલ્હી કેપિટલ્સ (તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ) તરફથી રમ્યો હતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી અને હરિયાણાની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. સેહવાગ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી, 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતો.
વીરેન્દ્ર સેહવાગ કારકિર્દી
સેહવાગ ભારત તરફથી 104 ટેસ્ટ, 251 વન-ડે અને 19 ટી 20 મેચ રમ્યો હતો. ટેસ્ટમાં 8586, વન-ડેમાં 8273 અને ટી 20માં 394 રન બનાવ્યા હતા.





