West Indies vs Australia Test : વેસ્ટ ઇન્ડીઝ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ફક્ત 27 રનમાં ઓલઆઉટ થઇ જતા શરમજનજ રેકોર્ડ નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે 204 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ 14.3 ઓવરમાં માત્ર 27 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. સબીના પાર્ક ખાતેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ અઢી દિવસમાં પુરી થઈ ગઇ હતી. મિશેલ સ્ટાર્કે શાનદાક બોલિંગ કરતા 9 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ ફરી નિરાશાજનક રહી હતી. ટેસ્ટ મેચમાં એક ઈનિંગનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચ 176 રનથી જીતી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3-0થી ટેસ્ટ શ્રેણી જીતી વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો હતો.
મિશેલ સ્ટાર્કે 9 રન આપીને 6 વિકેટ ઝડપી
મિચેલ સ્ટાર્કે નવ રન આપીને 6 વિકેટ ઝડપી હતી. સ્કોટ બોલેન્ડે હેટ્રિક લીધી હતી. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા મિશેલ સ્ટાર્કે પોતાના પહેલા 15 બોલમાં 5 વિકેટ લીધી હતી, જે ટેસ્ટ ઇતિહાસમાં એક મેચમાં સૌથી ઝડપી 5 વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. તેણે કારકિર્દીમાં 15મી વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. ડાબોડી ફાસ્ટ બોલરે આ સમયગાળા દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પણ પુરી કરી હતી. મિશેલ સ્ટાર્કે વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગના પહેલા બોલ પર એક વિકેટ અને પ્રથમ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ત્રીજી ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય, આ છે લોર્ડ્સ ટેસ્ટમાં હારના 5 કારણો
ટેસ્ટમાં ક્રિકેટમાં બીજો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો
વેસ્ટ ઈન્ડીઝ પર એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થવાનો ખતરો હતો. જોકે તે એક રનથી બચી ગયા હતા. તેમણે ટેસ્ટ ક્રિકેટનો બીજો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. ન્યૂઝીલેન્ડ 1955માં ઇંગ્લેન્ડ સામે 26 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝના 7 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જસ્ટિન ગ્રીવેસે સૌથી વધુ 11 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ક વોરેલ ટ્રોફી જાળવી રાખી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ 159 રનથી અને બીજી ટેસ્ટ મેચ 133 રનથી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ક વોરેલે ટ્રોફી જાળવી રાખી હતી.