Wrestlers Protest: દિલ્હીના જંતર-મંતર પર રેસલર્સના ધરણા વચ્ચે શુક્રવાર (28 એપ્રિલ)ના રોજ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જે પછી ડબલ્યુએફઆઈના પ્રમુખ બ્રિજભૂષણ સિંહે કહ્યું કે હું નિર્દોષ છું અને તપાસનો સામનો કરવા તૈયાર છું. વિનેશ ફોગાટની મહેરબાનીથી હું સાંસદ બન્યો નથી, મારા મત વિસ્તારના લોકોએ મને છ વખત જીતાડ્યો છે.
વિનેશ ફોગાટની મહેરબાનીથી હું સાંસદ નથી બન્યોઃ બ્રિજભૂષણ શરણ સિંહ
ડબ્લ્યુએફઆઈના વડા બ્રિજભૂષણ શરણ સિંહે શનિવારે (29 એપ્રિલ) એક પત્રકાર પરિષદમાં કુસ્તીબાજો દ્વારા તેમની સામેના વિરોધ અને દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અંગે જણાવ્યું હતું કે દરરોજ રેસલર્સ તેમની નવી માંગણીઓ લઈને આવી રહ્યા છે. તેઓએ એફઆઈઆરની માંગ કરી હતી, એફઆઈઆર દાખલ કરવામાં આવી અને હવે તેઓ કહી રહ્યા છે કે મને જેલમાં મોકલી દેવામાં આવે અને તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ. હું મારા મત વિસ્તારના લોકોને કારણે સાંસદ છું, વિનેશ ફોગાટના કારણે નહીં. એક જ પરિવાર અને અખાડા વિરોધ કરી રહ્યા છે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ મારી સાથે છે.
હું કહેવા માંગુ છું કે એક જ પરિવાર અને એક જ અખાડા શા માટે? હરિયાણાના અન્ય ખેલાડીઓ કેમ નહીં? હિમાચલ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના ખેલાડીઓ કેમ નહીં ? 12 વર્ષથી તેમની સતત જાતીય સતામણી કરવામાં આવી રહી છે, તો દેશના અન્ય ખેલાડીઓ સાથે જાતીય સતામણી કેમ નથી થતી?
આ પણ વાંચો – “શું તમે બધા એટલા ડરો છો?”, શા માટે ટોચના ક્રિકેટરો અને અન્ય રમતવીરો ચૂપ છેઃ વિનેશ ફોગાટ
બ્રિજભૂષણનો આરોપ છે – આમાં કોંગ્રેસનો હાથ
WFIના વડા બ્રિજભૂષણ શરણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓ, જેમને મારી સામે સમસ્યા છે અને કોંગ્રેસનો હાથ છે. આજે દેખાઇ ગયું કે તેમાં કોનો હાથ છે. બ્રિજભૂષણ શરણ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું નિર્દોષ છું અને તપાસનો સામનો કરવા તૈયાર છું. હું તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છું. મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરું છું.
હું ગુનેગાર નથીઃ બ્રિજ ભૂષણ શરણ સિંહ
મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર પર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે જણાવ્યું હતું કે રાજીનામું આપવું એ કોઈ મોટી વાત નથી પરંતુ હું ગુનેગાર નથી. જો હું રાજીનામું આપું તો એનો અર્થ એ થાય કે મેં તેમના આક્ષેપો સ્વીકારી લીધા છે. મારો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો છે. સરકારે 3 સભ્યોની કમિટી બનાવી છે અને 45 દિવસમાં ચૂંટણી યોજાશે અને ચૂંટણી પછી મારો કાર્યકાળ પૂરો થઇ જશે.
બીજી તરફ પહેલવાન સાક્ષી મલિકે કહ્યું કે અમે ખેલાડીઓ છીએ અને અમે કોઈ પણ રાજકીય પક્ષને ટેકો આપતા નથી. અહીં આવીને જે પણ કોઈ પણ અમારા ધરણાને ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેના જવાબદાર તે પોતે જ રહેશે, અમે નહીં.