India vs England : ઈંગ્લેન્ડમાં પહેલી વખત ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવી કોઈ પણ ક્રિકેટર માટે પડકારજનક બની શકે છે. આ પ્રવાસ કારકિર્દીને વેગ આપી શકે છે અથવા આત્મવિશ્વાસને તોડી શકે છે. સચિન તેંડુલકરે 17 વર્ષની નાની ઉંમરે ઇંગ્લેન્ડનો પ્રથમ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં વિશ્વને ભવિષ્યની ઝલક આપી હતી અને બતાવ્યું હતું કે આગામી બે દાયકા કેવા રહેશે.
ક્રિકેટ ચાહકોને યાદ હશે કે તેંડુલકરે 1990ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં બીજી ટેસ્ટમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સદી ફટકારીને મેચ બચાવી હતી. તેંડુલકરે પ્રથમ ઈનિંગમાં 68 રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં અણનમ 119 રન ફટકારતાં ટીમને હારમાંથી બચાવી લીધી હતી. તેંડુલકરની આ પ્રથમ ટેસ્ટ સદી હતી. લોકોને ખબર હશે કે તે સમયે ટેસ્ટ સદી ફટકારનારો તે બીજો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો, પરંતુ તેંડુલકરે દસમા ધોરણની પરીક્ષાની તૈયારી માટે એક પુસ્તક લઇને ઇંગ્લેન્ડ ગયો હતો તે વાત બહુ ઓછો લોકો જાણે છે.
કપિલ દેવે કર્યો ખુલાસો
વર્ષ 2013માં લેજન્ડરી કપિલ દેવે બીબીસી રેડિયો 5 લાઇવ શોમાં તેંડુલકર પુસ્તકને ઇંગ્લેન્ડ લઇ ગયો હતો તે વાતનો ખુલાસો કર્યા હતા. કપિલ દેવે કહ્યું હતું કે તે (તેંડુલકર) ખૂબ જ શાંત અને સ્વસ્થ હતો. તે પ્રથમ પ્રવાસમાં ધોરણ 10 માં ભણવા માટે પોતાની સ્કૂલના પુસ્તકો લઈને આવ્યો હતો. તે શરમાળ હતો, બહુ બોલતો ન હતો અને તે એક સામાન્ય બાળક જેવો જ હતો. તે વાતોમાં ઉલઝતો ન હતો. તે હંમેશાં વસ્તુઓને સમજતો રહેતો હતો.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને ડેટ કરી ચુકી છે ઇશા ગુપ્તા? કહ્યું – 2-3 વખત મળ્યા, કેટલાક મહિના વાત થઇ, બધું ખતમ થઇ ગયું
મેં ક્યારેય કોઈને આવા ભારે બેટનો ઉપયોગ કરતા જોયા ન હતા
કપિલે વધુમાં કહ્યું કે તે પ્રવાસમાં તેંડુલકરની બેટીંગના કેટલાક પાસાઓ અને તેના વ્યક્તિત્વથી પણ તેને આશ્ચર્ય થયું હતુ. કપિલ દેવે કહ્યું કે તે ઉંમરે તેના વિશે બે બાબતો ખૂબ જ અલગ હતી. તે ખૂબ જ સારી રીતે સંતુલિત હતો. અવિશ્વસનીય. અને તે બોલને હીટ કરતો ન હતો, પરંતુ બોલને ધકેલતો હતો! તેની પાસે ભારે બેટ હતું. એ સમય દરમિયાન મેં ક્યારેય કોઈને આવા ભારે બેટનો ઉપયોગ કરતા જોયા ન હતા અને તે બેટને નીચેની તરફ પકડતો હતો.
કપિલ દેવે બીજું શું કહ્યું?
કપિલે તેંડુલકર વિશે જણાવ્યું હતું કે તે ડાબા હાથે લખતો અને ખાતો હતો. પરંતુ બેટિંગ અને બોલિંગ જમણા હાથથી કરતો હતો. પાછળથી મને સમજાયું કે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ જ હશે જેના બંને હાથમાં તાકાત છે. આ ક્રિકેટનું ભવિષ્ય છે. જો તમારી પાસે સંતુલિત તાકાત હોય તો તમે બોલને નિયંત્રિત કરી શકો છો અને તમારા શરીરનું સંતુલન જાળવી શકો છો.