ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી, જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો

World Cup 2023 Final : વર્લ્ડ કપ 2023ની ફાઇનલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે હારથી તૂટી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું

Written by Ashish Goyal
Updated : November 20, 2023 17:46 IST
ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી, જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા (Twitter)

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયનની જેમ રમનારી ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારથી મેન ઈન બ્લુની સાથે સાથે 140 કરોડ ભારતીયો નિરાશ થયા હતા. ભારત માટે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટ્વિટ કરીને પ્રશંસકોને ખાસ મેસેજ આપ્યો હતો અને વાપસી કરવાની વાત કરી હતી. શમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેમનો પણ આભાર માન્યો હતો.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે હારથી તૂટી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. શમીએ શેર કરેલા ફોટોમાં વડાપ્રધાન મોદી તેમને ગળે લગાવતા જોવા મળે છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે શમી ભાવુક છે અને વડાપ્રધાન તેનું મનોબળ વધારી રહ્યા છે.

દુર્ભાગ્યથી ગઈકાલનો દિવસ અમારો ન હતો – શમી

મોહમ્મદ શમીએ ટ્વિટ કર્યું કે દુર્ભાગ્યથી ગઈ કાલનો દિવસ અમારો ન હતો. હું સમગ્ર ટૂર્નામેન્ટમાં આપણી ટીમ અને મારો સાથ આપવા માટે તમામ ભારતીયોનો આભાર માનું છું. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવવા અને અમારો ઉત્સાહ વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભારી છું. અમે વાપસી કરીશું.

આ પણ વાંચો – ફાઇનલમાં પરાજય પછી ભાવુક થઇ ભારતીય ટીમ, રોહિત, વિરાટ, સિરાજની આંખમાં આવ્યા આંસુ

રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે મુલાકાતનો ફોટો શેર કર્યો

રવિન્દ્ર જાડેજાએ પણ પીએમ સાથે મુલાકાતનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં પીએમ મોદી જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું કે અમારી ટૂર્નામેન્ટ ઘણી શાનદાર હતી પણ અમે હારી ગયા. અમે બધા દુખી છીએ પણ લોકોનું સમર્થન અમારો ઉત્સાહ વધારી રહ્યું છે. પીએમ ગઇકાલે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા, જે ખાસ અને ઘણું પ્રેરણાદાયક હતું.

ફાઇનલમાં પરાજય

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતનું 12 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન પુરુ થઈ શક્યું ન હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો અને ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલની જીત સહિત સતત 10 મેચ જીતી હતી. જોકે ફાઇનલમાં પરાજય થયો હતો.

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીનું શાનદાર પ્રદર્શન

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. તે શરૂઆતની કેટલીક મેચોમાં રમ્યો ન હતો. હાર્દિક પંડ્યાની ઈજા બાદ તેને તક મળી હતી અને તે પછી તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ