Who is Amol Muzumdar : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. ફાઇલમાં દક્ષિણ આફ્રિકા સામે 52 રને વિજય મેળવ્યો હતો. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહી છે. આ ઐતિહાસિક પ્રદર્શન ટીમના હેડ કોચ અમોલ મજુમદારના માર્ગદર્શન હેઠળ થયું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર 2023માં સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે અમોલ મજુમદારની નિમણૂક કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા વિના પણ લીજેન્ડ
અમોલ અનિલ મજુમદાર ડોમેસ્ટિક ક્રિકેટના ભૂતપૂર્વ સ્ટાર છે. તેમણે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પોતાની અમીટ છાપ છોડી છે. તે ભારતીય ક્રિકેટના એવા કેટલાક ખાસ દિગ્ગજોમાંથી એક છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા વિના પણ લીજેન્ડ બની ગયો છે. તે મુંબઈ અને પછી આસામ માટે જમણેરી બેટ્સમેન રહ્યા છે. તેમણે રણજી ટ્રોફીમાં અમરજીત કાયપીને પાછળ છોડીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય 1993-94ની સિઝનમાં બોમ્બે માટે હરિયાણા સામેની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ મેચમાં 260 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
સચિન-દ્રવિડ-ગાંગુલીના યુગમાં કારકિર્દીની શરૂઆત થઈ
અમોલ મજુમદારની કારકિર્દીનો પ્રારંભ એવા સમયે થયો હતો જ્યારે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટમાં ઉભરી રહ્યા હતા. અમોલ મજુમદારે બીપીએમ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ગુરુ રમાકાંત આચરેકરની સલાહથી શારદાશ્રમ વિદ્યામંદિર શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેમની મુલાકાત સચિન તેંડુલકર સાથે થઈ હતી.
કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અમોલ મજુમદારને ‘ભવિષ્યના તેંડુલકર’ કહેવામાં આવતા હતા. તેઓ 1994ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતની અંડર-19 ટીમના વાઇસ કેપ્ટન હતા. તે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીની સાથે ઈન્ડિયા એ તરફથી પણ રમ્યા હતા. જોકે અમોલ મજુમદાર ક્યારેય સિનિયર નેશનલ ટીમનું પ્રતિનિધિત્વ કરી શક્યા ન હતા.
પોતાની કેપ્ટન્સી હેઠળ મુંબઈ રણજી ચેમ્પિયન બન્યું
અમોલ મજુમદારે ડોમેસ્ટીક ક્રિકેટમાં કારકિર્દી યથાવત્ રાખતાં 2006-07માં મુંબઈની કેપ્ટનશિપ કરતા રણજી ટ્રોફી ટાઈટલ જીત્યું હતું. તે સિઝનમાં તેમણે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવવાના અશોક માંકડનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. બાદમાં તે 2009માં આસામની ટીમ અને 2012માં આંધ્ર પ્રદેશ સાથે જોડાયા હતા. આ પછી યુવા ખેલાડીઓને તક આપવા માટે તેમણે ટીમમાંથી નિવૃત્તિ લીધી હતી.
આ પણ વાંચો – જે ક્રિકેટને પુરુષોની રમત ગણાવતા હતા, હવે તે પોતાને ગણાવે છે દીપ્તિ શર્માના પડોશી
આ ટીમોમાં સેવાઓ આપી
નિવૃત્તિ બાદ અમોલ મજુમદારે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને ભારતની અંડર-19 અને અંડર-23 ટીમોના બેટીંગ કોચ, નેધરલેન્ડની ક્રિકેટ ટીમના સલાહકાર તરીકે અને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના બેટીંગ કોચ તરીકે કામ કર્યું હતું. તે ભારત પ્રવાસ દરમિયાન ટૂંકા ગાળા માટે સાઉથ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમના કોચ પણ રહ્યા હતા અને મુંબઈ ટીમના હેડ કોચ બન્યા હતા.
2023માં મહિલા ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા
વર્ષ 2023માં તેમને ભારતીય મહિલા રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ટીમે સખત ફિટનેસ રૂટિન, માઇન્ડસેટ ટ્રેનિંગ, આક્રમક અને આધુનિક ક્રિકેટ રણનીતિ અને ઘરેલુ પ્રતિભાને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
અમોલ મજમુદારની રેકોર્ડ તોડનાર બેટ્સમેનથી લઇને મેન્ટર સુધીની સફર ભારતીય ક્રિકેટ પ્રત્યેનું તેમનું સમર્પણ દર્શાવે છે. તેમના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માત્ર ઐતિહાસિક જીત જ હાંસલ કરી રહી નથી પરંતુ આગામી પેઢીના ક્રિકેટરો માટે ઉજ્જવળ ભવિષ્ય પણ બનાવી રહી છે.
અમોલ મજુમદાર ક્રિકેટ કારકિર્દી
અમોલ મજુમદારે 171 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.13ની એવરેજથી 11167 રન બનાવ્યા હતા. જેમાં 30 સદી અને 60 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 113 લિસ્ટ-એ માં 3286 રન અને 14 ટી 20 માં 174 રન બનાવ્યા છે.





