Who Is Shama Mohamed : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસને લઈને કોંગ્રેસની મહિલા પ્રવક્તા ડો.શમા મોહમ્મદના નિવેદનના કારણે રાજકીય ઘમાસાણ મચ્યું છે. શમા મોહમ્મદે રોહિત શર્માને જાડો ખેલાડી ગણાવીને તેને વજન ઘટાડવાની સલાહ આપી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે કોંગ્રેસે તેના આ નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે.
શમા મોહમ્મદે એક્સ પર લખ્યું કે રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે. તેમને વજન ઓછું કરવાની જરૂર છે. તે ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન પણ છે. અન્ય એક પોસ્ટમાં તેણે પૂછ્યું હતું કે ગાંગુલી, તેંડુલકર, દ્રવિડ, ધોની, કોહલી, કપિલ દેવ, શાસ્ત્રી જેવા અગાઉના લોકોની સરખામણીમાં તેનામાં એવું તે શું છે? તે એક એવરેજ કેપ્ટનની સાથે સાથે એક એવરેજ ખેલાડી પણ છે જેને ભારતના કેપ્ટન બનવાનું સૌભાગ્ય મળ્યું છે.
શમાના નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ શમાના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. પૂનાવાલાએ કહ્યું કે જે લોકો રાહુલ ગાંધીની કેપ્ટનશિપમાં 90 ચૂંટણી હાર્યા છે તેઓ રોહિત શર્માની કેપ્ટનશિપને બેઅસર ગણાવી રહ્યા છે! મને લાગે છે કે દિલ્હીમાં 6 વખત શૂન્ય રને આઉટ થવું અને 90 વખત ચૂંટણી હારવી એ પ્રભાવશાળી છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપ જીતવો પ્રભાવશાળી નથી! બાય ધ વે, કેપ્ટન તરીકે રોહિતનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે!
કોંગ્રેસે શમા મોહમ્મદના નિવેદનથી પોતાને દૂર કર્યા
આ મામલે વિવાદ થયા બાદ કોંગ્રેસે શમા મોહમ્મદના નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે. કોંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેડાએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.શમા મોહમ્મદે એક ક્રિકેટ લેજન્ડ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે પાર્ટીનું સ્ટેન્ડ નથી.
આ પણ વાંચો – એશિયા કપ 2025 : ભારત અને પાકિસ્તાન આ વર્ષે વધુ 3 મેચો રમી શકે છે : રિપોર્ટ
તેમને એક્સ સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સને કાઢી નાખવાનું કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્પોર્ટ્સ આઇકનોના યોગદાન સર્વોચ્ચ સન્માન આપે છે અને તેમના વિરાસતને નબળી પાડે તેવા કોઈ પણ નિવેદનને સમર્થન આપતી નથી. કોંગ્રેસની સૂચના બાદ શમા મોહમ્મદે પોતાની વિવાદિત પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
વિવાદ વધ્યો ત્યારે શમા મોહમ્મદે કરી સ્પષ્ટતા
વિવાદ વધ્યા પછી શમા મોહમ્મદે કહ્યું કે આ ખેલાડીઓની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ છે. આ બોડી શેમિંગ વાળી વાત ન હતી. મને લાગ્યું કે તે ઓવરવેટ છે, તેથી જ મેં ટ્વિટ કર્યું છે. મને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. લોકશાહીમાં બોલવાનો અધિકાર હોય છે. મેં ફક્ત પોતાની વાત રાખી છે.
તેમણે કહ્યું કે જ્યારે મેં તેમની સરખામણી ભૂતપૂર્વ કેપ્ટનો સાથે કરી ત્યારે તેને પણ ખોટી રીતે લેવામાં આવી હતી. મારો કહેવાનો અર્થ એ હતો કે વિરાટ કોહલીને જુઓ. તે પોતાના સાથી ખેલાડીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. હું એમ પણ કહીશ કે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ હારી ગઇ હતી ત્યારે ઘણા લોકો મોહમ્મદ શમીને નિશાન બનાવી રહ્યા હતા. વિરાટ કોહલી તે સમયે શમીની સાથે ઉભો રહ્યો હતો.
કોણ છે શમા મોહમ્મદ?
શમા મોહમ્મદ મૂળ કેરળની રહેવાસી છે. તે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. 2018માં પ્રથમ વખત તેને કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ શમાની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. શમા પોતાના નિવેદનો અને પોસ્ટ્સ દ્વારા હેડલાઇન્સમાં રહે છે.
2019માં શમા મોહમ્મદ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની ટિકિટોની વહેંચણી પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે શમાએ કહ્યું હતું કે સંસદમાં જ્યારે મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસે કેરળમાં વધુ મહિલાઓને ટિકિટ આપવી જોઈતી હતી, પરંતુ પાર્ટીએ ગત વખત (બે)ની સરખામણીમાં આ વખતે માત્ર એક મહિલાને ટિકિટ આપી હતી.