shubman gill india test captain : ભારતીય ટેસ્ટ ટીમને નવો કેપ્ટન મળ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે શનિવાર (24 મે)ના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માના ઉત્તરાધિકારી તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. હવે મોટો સવાલ એ છે કે ગિલને કેપ્ટન કેમ બનાવ્યો? જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓને કેપ્ટન કેમ બનાવવામાં ન આવ્યા? ચાલો અહી જાણીએ.
એક સવાલ એ પણ છે કે આઈપીએલ 2025 પણ એક ફેક્ટર તરીકે ઉભર્યું છે? આ સવાલોના જવાબ જાણવા માટે ભારતીય ક્રિકેટના ઈતિહાસ પર નજર કરવી પડશે. વિરાટ કોહલીના કેપ્ટન્સીમાંથી રાજીનામાની ઘટનાને યાદ કરવા પર ભારતીય ક્રિકેટની નીતિની સૌથી મોટું કારણ પ્રતિત થશે. આ લેખમાં આપણે આ તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરીશું.
શુભમન ગિલ અને લીડરશીપ રોલ
શુબમન ગિલની તાજપોશી અચાનક થઇ નથી. તેને કેપ્ટન બનાવવો એ આશ્ચર્યજનક નિર્ણય નથી. ભારતીય ક્રિકેટની થિંક ટેન્ક તેને પહેલાથી જ નેતૃત્વની ભૂમિકામાં જોઈ રહી હતી. ભારત ટી-20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું હતું. શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્રથમ વખત કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.
જ્યારે સૂર્યકુમાર યાદવને ટી-20નો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો તો શ્રીલંકા પ્રવાસમાં ગિલ વાઈસ કેપ્ટન હતો. જોકે ત્યાર બાદ તે ટી-20 ટીમમાં સામેલ થયો નથી. તેને વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે રોહિતનો ડેપ્યુટી પણ હતો. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં આ વાતનો થોડો સંકેત મળ્યો હતો. ઘણા પ્રસંગોએ તે બોલરો સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
જસપ્રીત બુમરાહ કેમ ન બન્યો કેપ્ટન
રોહિત શર્મા બાદ કેપ્ટન તરીકે સૌથી પ્રબળ દાવેદાર તરીકેનું પ્રથમ નામ જસપ્રીત બુમરાહનું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તે વાઇસ કેપ્ટન હતા. તેણે એકલા હાથે ભારતને ઓસ્ટ્રેલિયામાં જીવંત રાખ્યું હતું, પણ સિડની ટેસ્ટમાં થયેલી ઈજા અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપલબ્ધ ન હોવાને કારણે બુમરાહનો દાવો નબળો પડી ગયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ
જસપ્રીત બુમરાહ હાલ ભારતીય ક્રિકેટનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે પણ એ વાત પણ સાચી છે કે તેનું વર્કલોડ મેનેજમેન્ટ મહત્વનું છે. બુમરાહ દરેક મેચ રમી શકતો નથી અને તે જરુરિયાત પ્રમાણે ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળશે. આવી સ્થિતિમાં યોગ્ય વિકલ્પ હોવા છતાં બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો.
કેએલ રાહુલનો સામાન્ય રેકોર્ડ
કેએલ રાહુલ 10 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં છે, પરંતુ તે હજુ સુધી પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. રાહુલની કારકિર્દી એવી હોવી જોઈતી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદાય બાદ કેપ્ટનશિપ પર કોઈ ચર્ચા ન થઈ હોત. રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હોત, પરંતુ સત્ય એ છે કે તેણે ટીમમાં તેના માટે જગ્યા બનાવવી પડે છે. ક્યારેક ઓપનરને મિડલ ઓર્ડર તરીકે તો ક્યારેક વિકેટકિપર તરીકે અજમાવવામાં આવે છે. હાલ રાહુલની ટેસ્ટ કારકિર્દી તેને સરેરાશ બેટ્સમેન તરીકે વર્ણવે છે. 101 ઈનિંગ્સ બાદ 33.57ની એવરેજ એકદમ સામાન્ય છે. ટીમમાં રહેવા માટે રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સારુ પ્રદર્શન કરવુ પડશે.
શા માટે કાપવામાં આવ્યું ઋષભ પંતનું પત્તુ
ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતનો રેકોર્ડ બેજોડ છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં. પંત કેપ્ટન ન બનતાં એક ધારણા એવી પણ રહેશે કે આઇપીએલ 2025માં તેનું પર્ફોમન્સ કંઈ ખાસ ન હતું. જોકે પંતને કેપ્ટન ન બનાવવામાં આઇપીએલે ભાગ્યે જ કોઈ ભૂમિકા ભજવી છે. આમાં સૌથી મોટી ભૂમિકા ભારતીય ક્રિકેટની નીતિ છે. ભારતીય ક્રિકેટની થિંક ટેન્કને 3 ફોર્મેટમાં 3 કેપ્ટન પસંદ નથી. ઋષભ પંતનું ટેસ્ટમાં સ્થાન નિશ્ચિત છે પણ વ્હાઇટ બોલ ક્રિકેટમાં નહીં. આ નીતિ જૂની છે.
વિરાટ કોહલીએ કેમ ગુમાવી હતી કેપ્ટનશિપ?
આ નીતિને કારણે શુભમન ગિલ પણ બાજી મારી ગયો છે. પહેલા આ નીતિ રેડ બોલ અને વ્હાઇટ બોલ ક્રિકેટને લઇને હતી. આ જ કારણ હતું કે જ્યારે વિરાટ કોહલીએ ટી-20ની કેપ્ટનશિપ છોડી ત્યારે તેને વન-ડેમાંથી પણ કેપ્ટનશિપ છોડવાનું કહેવામાં આવ્યું હતું. કોહલી-ધોની યુગમાં પણ 2 કેપ્ટન હતા. ટી-20 ક્રિકેટ વધતાં અને વન-ડે ક્રિકેટમાં ઘટાડો થતાં નીતિમાં થોડો ફેરફાર થયો હતો.
2022ના ટી-20 વર્લ્ડ કપ બાદ પણ સ્પ્લિટ કેપ્ટન્સી જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ ટી-20માં જવાબદારી સંભાળી હતી. રોહિત શર્માએ વન-ડે અને ટેસ્ટમાં આગેવાની લીધી હતી. હવે પરિસ્થિતિ એવી છે કે ટી-20ના સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની સંખ્યા ઘણી છે. ભારતની વન ડે અને ટેસ્ટ ટીમો તેનાથી સાવ અલગ દેખાય છે. આ બંને ફોર્મેટની ટીમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.