Women’s IPL: મહિલા આઈપીએલની પ્રથમ સિઝન માર્ચ 2023થી આયોજીત થવાની છે. બીસીસીઆઈ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સત્રમાં મોટી સફળતા અપાવવામાં કોઇ કસર બાકી રાખી રહ્યું નથી. સૂત્રોએ પૃષ્ટી કરી છે કે બીસીસીઆઈ પાંચ ટીમો માટે જલ્દી નોટિફિકેશન જાહેર કરશે. દરેક ફ્રેન્ચાઇઝી માટે આધાર મૂલ્ય 400 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.
સૂત્રોના મતે જલ્દી ઇ-હરાજી માટે એક દસ્તાવેજ જાહેર કરાશે. ઇ-ઓક્શનમાં આઈપીએલની વર્તમાન બધી ફ્રેન્ચાઇઝી પણ ભાગ લઇ શકે છે. મુંબઈમાં 18 ઓક્ટોબરે યોજાયેલી બીસીસીઆઈની એજીએમમાં મહિલા આઈપીએલને મંજૂરી આપવામાં આવી હતી.
ટોપ પર રહેનારી બે ટીમો ફાઇનલમાં સ્થાન બનાવશે
ટૂર્નામેન્ટમાં 20 લીગ મેચ રમાશે. એટલે કે દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. પોઇન્ટ ટેબલમાં ટોચના બે સ્થાને રહેનારી ટીમ સીધા ફાઇનલમાં પ્રવેશ કરશે. દરેક ટીમની પ્લેઇંગ ઇલેવનમાં 5થી વધારે વિદેશી ક્રિકેટર રમી શકશે નહીં.
આ પણ વાંચો – ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો
બીસીસીઆઈએ મહિલા આઈપીએલને લઇને બધા રાજ્ય ક્રિકેટ એસોસિયેશનને એક નોટ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું એક સારું સંતુલન રાખવા અને પ્રતિસ્પર્ધી ટીમો માટે વુમેન્સ આઈપીએલ માટે અસ્થાયી રુપથી 5 ટીમોને ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક ટીમમાં વધારેમાં વધારે 18 ખેલાડી સામેલ થઇ શકે છે. કોઇપણ ટીમમાં 6થી વધારે વિદેશી ખેલાડી રાખી શકાશે નહીં.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2020માં રનર્સ અપ રહી હતી. તે પછી ભારતમાં મહિલા ક્રિકેટના વિકાસ માટે આઈપીએલ જેવી લીગની માંગ વધી રહી હતી. ઓસ્ટ્રેલિયામાં 2016થી મહિલા બિગ બેશ લીગ થઇ રમાઇ રહી છે. ગત વર્ષે બ્રિટનમાં ધ હંડ્રેડની શરૂઆત થઇ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આગામી વર્ષેથી મહિલા લીગ શરુ કરવાની જાહેરાત કરી છે.





