India Women vs Sri Lanka Women T20 World Cup : મહિલા ટી 20 વર્લ્ડ કપનાં ભારતની મહિલા ટીમે શ્રીલંકાની ટીમ સામે 82 રને શાનદાર જીત મેળવી સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 19.5 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
હરમનપ્રીત કૌર અને મંધાનાની અડધી સદી
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી હતી. હરમનપ્રીતે 27 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અણનમ 52 રન બનાવ્યા હતા. જ્યારે મંધાનાએ 38 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 50 રન કર્યા હતા. હરમનપ્રીત કૌર 27 બોલમાં અડધી કદી ફટકારી ટી-20 વર્લ્ડ કપમાં ફાસ્ટેટ અડધી સદી ફટકારનાર ભારતીય મહિલા પ્લેયર બની છે.
આ પણ વાંચો – બીજી ટી-20 : ભારતનો બાંગ્લાદેશ સામે 86 રને વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી
આ સિવાય ઓપનર શેફાલી વર્માએ 40 બોલમાં 43 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રીગ્સે 16 અને રિચા ઘોષે 6 રન ફટકાર્યા હતા. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને અમા કંચનાએ 1-1 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી કાવિશા દિલહારીએ સૌથી વધારે 21 રન બનાવ્યા હતા. ભારત તરફથી અરુંધતિ રેડ્ડી અને આશા શોભનાએ 3-3 વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ બીજા સ્થાને પહોંચી
ગ્રુપ એમાં ભારત અને શ્રીલંકા બંને માટે આ ટૂર્નામેન્ટની ત્રીજી મેચ હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં 2 મેચ જીતી ચૂકી છે અને એકમાં પરાજય થયો છે. આ મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગઈ છે. ટીમનો નેટ રનરેટ 0.576 પર પહોંચી ગયો છે. પોઇન્ટ ટેબલમાં હાલ ઓસ્ટ્રેલિયા 2 જીત સાથે ટોપ પર છે. તેનો નેટ રનરેટ 2.524નો છે.