India vs South Africa, Women’s World Cup 2025 Final: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ રવિવારને 2 નવેમ્બરના રોજ મુંબઈમાં રમાશે. ભારતે જે પ્રકારે સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે પછી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન માટે ફેવરિટ બની ગઈ છે. પરંતુ દક્ષિણ આફ્રિકાને ટીમને નબળી ગણી શકાય નહીં. કારણ કે તેમણે સેમિ ફાઈનલમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જોકે કેટલાક આંકડા એવા છે જે ભારતની તરફેણમાં છે.
ફાઈનલ અગાઉ ભારત અને દક્ષિણ આફ્રિકાના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો આ આંકડા ભારતની તરફેણમાં છે. જોકે સાઉથ આફ્રિકાએ લીગ સ્ટેજમાં ભારત સામે જીત મેળવી છે, પણ મેચ ખુબ જ રોમાંચક રહી હતી તે ભૂલવું ન જોઈએ.
ભારત વિ દક્ષિણ આફ્રિકાનો હેડ ટુ હેડ રેકોર્ડ
મહિલા વન ડેમાં ભારત અને સાઉથ આફ્રિકાના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો સ્પષ્ટ રીતે ભારતીય ટીમનો ઉપર હાથ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચો રમાઈ છે, જેમાંથી 20 મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો 13 મેચમાં વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. છેલ્લા 6 મુકાબલાની વાત કરીએ તો 2024થી 2025 સુધી ભારતે પાંચ મેચ જીતી છે અને એકમાત્ર હાર આ વર્લ્ડ કપની લીગ રાઉન્ડની મેચમાં થઇ હતી.
ભારત વિ દક્ષિણ આફ્રિકા, છેલ્લી 6 મેચનું પરિણામ
- બેંગલુરુ (2024) – ભારતનો 143 રનથી વિજય
- બેંગલુરુ (2024) – ભારતનો 4 રનથી વિજય
- બેંગલુરુ (2024) – ભારતનો 6 વિકેટે વિજય
- કોલંબો (2025) – ભારતનો 15 રનથી વિજય
- કોલંબો (2025) – ભારતનો 23 રનથી વિજય
- વિશાખાપટ્ટનમ (2025) – દક્ષિણ આફ્રિકાનો 3 વિકેટે વિજય (મહિલા વર્લ્ડ કપ 2025)
આ પણ વાંચો – લૌરા વોલ્વાર્ટે 169 રન ફટકારી રચ્યો ઇતિહાસ
મહિલા વર્લ્ડ કપ 2025માં બન્ને ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું?
વર્તમાન ટૂર્નામેન્ટમાં બંને ટીમોના દેખાવની વાત કરીએ તો ભારતીય ટીમ આ મામલે સાઉથ આફ્રિકા કરતાં થોડી પાછળ છે. સાઉથ આફ્રિકાએ લીગ સ્ટેજમાં 7 માંથી 5 મેચમાં જીત મેળવી હતી અને 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. તે માત્ર બે જ મેચ હાર્યું હતું. ભારતની વાત કરીએ તો ભારત 7 માંથી 3 મેચ જીત્યું હતું અને 3માં પરાજય થયો હતો. જ્યારે વરસાદને કારણે એક મેચ રદ કરવામાં આવી હતી. ભારત 7 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું હતું. ત્યાર બાદ સેમિ ફાઈનલમાં બંને ટીમોએ કમાલ કરી હતી. આવી સ્થિતિમાં ફાઈનલ મેચ રસપ્રદ બની શકે છે.





