Smriti Mandhana Record : મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે 3 વિકેટે પરાજય થયો હતો. ભારતે 48.5 ઓવરમાં 330 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ મેચમાં ભારતનો પરાજય થયો હતો. જોકે સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની
મહિલા વન ડે ક્રિકેટમાં સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની છે. આ પહેલા કોઈ અન્ય મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી. આ પહેલાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કના નામે હતો. જેણે 1997માં વન ડેમાં 80.83 ની સરેરાશથી 970 રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહિલા વન ડેમાં 14મી વખત 50 થી વધુ રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ અને પ્રતિકા હવે મહિલા વન ડેમાં સૌથી વધુ પચાસથી વધુની ભાગીદારી કરનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. સ્મૃતિ અને પ્રતિકાએ અંજુમ ચોપરા અને મિતાલી રાજને પાછળ છોડી દીધા હતા. જેમણે મહિલા વન ડેમાં 13 વખચ 50 થી વધુની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો – શુભમન ગિલે તોડ્યો બ્રેડમેનનો રેકોર્ડ, બન્યો વર્લ્ડ નંબર 1, કોહલીના આ રેકોર્ડની બરાબરી કરી
મહિલા વન ડેમાં સૌથી વધુ 50થી વધુ રનની ભાગીદારી કરનાર ભારતીય ખેલાડીઓ
- 18 – હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ (56 ઇનિંગ્સ)
- 14 – સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ (21 ઇનિંગ્સ)
- 13 – અંજુમ ચોપરા અને મિતાલી રાજ (57 ઇનિંગ્સ)
- 13 – મિતાલી રાજ અને પૂનમ રાઉત (34 ઇનિંગ્સ)
સ્મૃતિ મંધાનાએ વન ડેમાં 5,000 રન પુરા કર્યા
સ્મૃતિ મંધાનાએ મહિલા વન ડે ક્રિકેટમાં 5,000 રન પણ પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય અને વિશ્વની પાંચમી ખેલાડી બની છે. સ્મૃતિએ માત્ર 112 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. મહિલા વનડેમાં 5,000 રન સુધી પહોંચવા માટે સ્મૃતિએ સૌથી ઓછી ઇનિંગ્સ અને બોલનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સ્ટેફની ટેલર (129 ઇનિંગ્સ) અને સુઝી બેટ્સ (6,182 બોલ) નો રેકોર્ડ તોડ્યો છે.