World 10 Highest Paid Athletes 2024 : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કમાણીના મામલે તેના હરીફ લિયોનેલ મેસીને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સે 2024માં સૌથી વધારે કમાણી કરનાર એથ્લીટની યાદી જાહેર કરી છે. તેમાં રોનાલ્ડોએ ટોચનું સ્થાન મેળવ્યું છે. તે સતત ચોથી વખત સૌથી વધુ કમાણી કરનારા એથ્લીટ્સની યાદીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. આ લિસ્ટમાં કોઇ ભારતીય ખેલાડી નથી.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની કમાણી 2167 કરોડ રૂપિયા
વર્ષ 2024માં ટોચના 10 કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં, ફૂટબોલના સૌથી વધુ પાંચ ખેલાડીઓ છે, જ્યારે બાસ્કેટબોલના ત્રણ અને ગોલ્ફ અને રગ્બી (અમેરિકન ફૂટબોલ)માંથી એક-એક ખેલાડી છે. ફોર્બ્સની 2024ની તાજા લિસ્ટમાં પોર્ટુગલ અને અલ નાસરના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આ વર્ષે 260 મિલિયન યૂએસ ડોલર એટલે કે 2167 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : ઓસ્ટ્રેલિયાના આ 5 ખેલાડીઓ બની શકે છે ખતરો, આઈપીએલમાં આવું છે પ્રદર્શન
લિયોનેલ મેસ્સી ત્રીજા સ્થાને
ગોલ્ફર જોન રેમ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર એથ્લીટમાં બીજા ક્રમે છે. તેની કુલ કમાણી 218 મિલિયન યુએસ ડોલર એટલે કે 1818 કરોડ રૂપિયા છે. ત્રીજા સ્થાને 135 મિલિયન યુએસ ડોલર એટલે કે 1126 કરોડ રૂપિયાની કમાણી સાથે મેસ્સી છે. આ મામલે રોનાલ્ડોએ આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને કેપ્ટન લિયોનેલ મેસ્સી જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે પણ રોનાલ્ડો ટોચ પર હતો. તે સમયે તેની કમાણી 136 મિલિયન યુએસ ડોલર એટલે કે 1133 કરોડ રૂપિયા હતી, જે આ વર્ષે લગભગ બમણી થઈ ગઈ છે.
રોનાલ્ડોની ઓફ-ફિલ્ડ આવક 60 મિલિયન ડોલર છે, તેને બ્રાન્ડ્સમાંથી મળે છે. જ્યારે તેની ઓન-ફિલ્ડ કમાણી 200 મિલિયન ડોલર છે. રોનાલ્ડોનો અલ-નાસર ક્લબ સાથેનો કોન્ટ્રાક્ટ આવતા વર્ષે પુરો થવાનો છે, ત્યારે એવા અહેવાલો મળી રહ્યા છે કે તે સાઉદી અરેબિયામાં તેના રોકાણને લંબાય તેવા એક્સટેન્શન પર હસ્તાક્ષર કરી શકે છે.
સૌથી વધારે કમાણી કરનાર ટોપ 10 એથ્લીટ
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – ફૂટબોલ – 260 મિલિયન અમેરિકન ડોલર
- જોન રેમ – ગોલ્ફ – 218 મિલિયન અમેરિકન ડોલર
- લિયોનેલ મેસ્સી – ફૂટબોલ – 135 મિલિયન અમેરિકન ડોલર
- લેબ્રોન જેમ્સ – બાસ્કેટબોલ – 128.2 મિલિયન અમેરિકન ડોલર
- જિઆનીસ એન્ટેટોકોનમ્પો – બાસ્કેટબોલ – 111 મિલિયન અમેરિકન ડોલર
- કાયલિયન એમ્બાપે – ફૂટબોલ – 110 મિલિયન અમેરિકન ડોલર
- નેમાર – ફૂટબોલ – 108 મિલિયન અમેરિકન ડોલર
- કરીમ બેન્ઝેમા – ફૂટબોલ – 106 મિલિયન અમેરિકન ડોલર
- સ્ટીફન કરી – બાસ્કેટબોલ – 102 મિલિયન અમેરિકન ડોલર
- લામર જેક્સન – અમેરિકન ફૂટબોલ – 100.5 મિલિયન અમેરિકન ડોલર





