World Championship of Legends 2025: બર્મિંગહામમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2025ની સેમિ ફાઈનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઈન્કાર કરી દીધો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ઈન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ પહેલગામ આતંકી હુમલા બાદ પડોશી દેશ સાથે કોઈપણ દ્વિપક્ષીય રમત સંબંધો વિરુદ્ધ દેશના વલણનો હવાલો આપ્યો હતો. આ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાનને લઇને ભારતમાં ઘણો આક્રોશ છે.
આ કારણે ગ્રુપ સ્ટેજમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની મેચનો ભારે વિરોધ થયો હતો. આ પછી શિખર ધવન અને હરભજન સિંહ સહિતના અન્ય ભારતીય ચેમ્પિયન્સ ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં મેચ રમાઇ ન થઈ અને બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. આ પોઈન્ટનો ફાયદો ઈન્ડિયા ચેમ્પિયન્સને સેમિ ફાઈનલમાં પ્રવેશવામાં મળ્યો હતો.
શું સેમિ ફાઈનલના કાર્યક્રમમાં ફેરફાર થશે?
ઈન્ડિયા ચેમ્પિયન્સે છેલ્લા ગ્રુપ સ્ટેજમાં વિન્ડિઝ ચેમ્પિયન્સને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે સવાલ એ છે કે શું સેમિ ફાઈનલના કાર્યક્રમમાં ફેરફાર થશે ? એટલે કે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સમાંથી એકને ભારત ચેમ્પિયન અને બીજી પાકિસ્તાન ચેમ્પિયન્સનો સામનો કરાવવામાં આવે.
આ પણ વાંચો – ઓવલમાં ગૌતમ ગંભીરને આવ્યો ક્યૂરેટર પર ગુસ્સો, સિતાંશુ કોટકે હસ્તક્ષેપ કરી માહોલ શાંત કર્યો, જુઓ VIDEO
શું પાકિસ્તાન ચેમ્પિયન્સને વોકઓવર આપવામાં આવશે?
કાર્યક્રમ બદલવાથી સેમિ ફાઈનલની સમસ્યા તો દૂર થઈ શકે છે, પણ જો ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ફાઈનલમાં પહોંચશે તો શું થશે? જો કાર્યક્રમમાં ફેરફાર નહિ થાય તો પાકિસ્તાન ચેમ્પિયન્સને વોકઓવર આપી શકાય તેમ છે. એટલે કે તે સેમિ ફાઈનલ જીત્યા વગર જ ફાઈનલમાં પહોંચી શકે છે.
આતંકવાદ અને ક્રિકેટ એક સાથે ન ચાલી શકે
આ પહેલા ટૂર્નામેન્ટના પ્રાયોજક ઇઝમાયટ્રિપે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિ-ફાઇનલ મેચમાંથી બહાર થવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ઇઝમાયટ્રીપના સ્થાપક નિશાંત પિટ્ટીએ એક્સ પર મોટો સંદેશો આપતાં જાહેરમાં કહ્યું હતું કે તેઓ લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાનની મેચનું સમર્થન નહીં કરે. પિટ્ટીએ યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ કહ્યું હતું કે એક સંગઠન તરીકે તેઓ દ્રઢપણે માને છે કે “આતંકવાદ અને ક્રિકેટ એક સાથે ન ચાલી શકે”.





