/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gukesh-D-World-Champion.jpg)
World Chess Championship 2024 : ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. તે ચેઝનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે ચીનનો દબદબો ખતમ કર્યો છે. વિશ્વ ચેસ ચેમ્પિયન 2024ની ફાઈનલ મેચ ગુરુવારે સિંગાપોરમાં રમાઈ હતી. જેમાં ડી ગુકેશનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચીનના ચેસ માસ્ટર ડીંગ લિરેન સામે હતો. ટાઇટલ મેચમાં ડી ગુકેશે 14મી ગેમમાં ડિંગ લિરેનને હરાવી ટાઇટલ કબજે કર્યું હતું. ડી ગુકેશે 14 બાજીની મેચની અંતિમ ક્લાસિકલ બાજી જીતીને ડિંગ લિરેનના 6.5ના મુકાબલે જરૂરી 7.5 અંક સાથે ટાઇટલ જીત્યું હતું.
ડિંગ લિરેનને ભૂલ ભારે પડી
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની આખરી ગેમમાં ડિંગ લિરેનની ભૂલ બાદ ડી ગુકેશ ઈતિહાસનો સૌથી યુવા વયે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. આ ભૂલ એવા સમયે થઈ જ્યારે ટાઈબ્રેકની શક્યતા ખુબ જ વાસ્તવિક લાગી રહી હતી. રમત પાંચમા કલાકમાં ત્યારે પૂરી થઈ જ્યારે ડિંગ લિરેને ભૂલ કરી હતી, જેના કારણે તેણે ગેમ, મેચ અને તાજ ત્રણેય ગુમાવવા પડ્યા છે.
એવું લાગતું હતું કે મેચ ટાઇબ્રેક તરફ આગળ વધી રહી છે પરંતુ ગુકેશે તેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને ડિંગને હરાવવામાં સફળ રહ્યો હતો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024માં ડિંગ લિરેન મોટાભાગે પાછળ રહ્યો હતો. ડી ગુકેશ એટલે કે ડોમરાજુ ગુકેશ 18મો વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે.
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયા 2024માં અત્યાર સુધીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું, આવો રહ્યો છે રેકોર્ડ
રશિયાનો દિગ્ગજ ગેરી કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો
ગુકેશ ચેમ્પિયન બન્યા પહેલા રશિયાનો દિગ્ગજ ગેરી કાસ્પારોવ સૌથી યુવા વયે વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતો. ગેરી કાસ્પારોવે 22 વર્ષની વયે 1985માં અનાતોલી કાર્પોવને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ગુકેશે હવે 18 વર્ષે ચેમ્પિયન બની આ રેકોર્ડ તોડ્યો છે. ગુકેશ આ વર્ષની શરુઆતમાં જ કેન્ડીડેટ્સની ટૂર્નામેન્ટ જીત્યા બાદ વર્લ્ડ ટાઈટલ માટે પડકાર રજુ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનનારો બીજો ભારતીય બન્યો
તે દિગ્ગજ વિશ્વનાથન આનંદ બાદ વર્લ્ડ ચેમ્પિયન બનનારો બીજો ભારતીય છે. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદે પોતાનું અંતિમ ટાઈટલ 2013માં જીત્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us