વન-ડે વર્લ્ડ કપમાં 7 ભારતીય લગાવી ચુક્યા છે 2 કે તેથી વધારે સદી, બધા રહ્યા છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન

ODI world cup 2023: વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 14 ભારતીયોએ સદી ફટકારી છે. જેમાંથી 7 ઇન્ડિયન ક્રિકેટરોએ એકથી વધુ વખત સદી ફટકારી છે

Written by Ashish Goyal
July 04, 2023 15:30 IST
વન-ડે વર્લ્ડ કપમાં 7 ભારતીય લગાવી ચુક્યા છે 2 કે તેથી વધારે સદી, બધા રહ્યા છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન
world cup 2023: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરુ થશે

world cup 2023: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023ને શરૂ થવામાં લગભગ ત્રણ મહિનાનો સમય બાકી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ટૂર્નામેન્ટ જૂના રેકોર્ડ તૂટશે અને નવા રેકોર્ડ સર્જાશે. જોકે અહીં આપણે એ રેકોર્ડ વિશે વાત કરીશું જે પહેલા જ બની ચુક્યા છે. વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 14 ભારતીયોએ સદી ફટકારી છે. જેમાંથી 7 ભારતીય ક્રિકેટરોએ એકથી વધુ વખત સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે આ તમામ સાતેય ક્રિકેટરોએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી ચુક્યા છે. તેમના વર્લ્ડ કપના આંકડા પર એક નજર નાખો.

સચિન તેંડુલકરઃ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડ કપમાં 45 મેચો રમી છે. જેમાં 56.95ની એવરેજ અને 88.98ની સ્ટ્રાઇક રેટથી 2278 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 15 અડધી સદી સામેલ છે. સચિનનો બેસ્ટ સ્કોર 152 રન છે. વર્લ્ડ કપમાં 2 વખત શૂન્ય ઉપર પણ આઉટ થયા હતા. જ્યારે 4 વખત અણનમ રહ્યા છે.

રોહિત શર્માઃ રોહિત શર્મા વન-ડે વર્લ્ડકપમાં અત્યાર સુધી 17 મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે 65.20ની એવરેજ અને 95.97ની સ્ટ્રાઇક રેટથી 978 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 140 રન છે. વર્લ્ડ કપમાં તે એક વખત શૂન્ય પર આઉટ થયો છે. જ્યારે બે વખત અણનમ પેવેલિયનમાં પરત ફર્યો છે.

સૌરવ ગાંગુલીઃ સૌરવ ગાંગુલી પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડકપમાં 21 મેચ રમ્યો છે. જેમાં તેણે 55.88ની એવરેજ અને 77.50ની સ્ટ્રાઇક રેટથી 2278 રન બનાવ્યા હતા. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 183 રન છે. વર્લ્ડ કપમાં તે એક વખત શૂન્ય પર આઉટ થયો છે જ્યારે ત્રણ વખત અણનમ રહ્યો છે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ પહેલા બધા મેદાનોમાં સુધારો કરવામાં આવશે, બીસીસીઆઈ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે

શિખર ધવનઃ વન-ડે વર્લ્ડકપમાં શિખર ધવન અત્યાર સુધી 10 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 53.70ની એવરેજ અને 94.21ની સ્ટ્રાઇક રેટથી 537 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો બેસ્ટ સ્કોર 137 રન છે. ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપમાં એક પણ વખત શૂન્ય પર આઉટ થયો નથી અને અણનમ પણ રહ્યો નથી.

રાહુલ દ્રવિડઃ રાહુલ દ્રવિડ પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડકપમાં 22 મેચ રમ્યો છે. જેમાં 61.42ની એવરેજ અને 74.97ની સ્ટ્રાઇક રેટથી 860 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 145 રન છે. ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપમાં એક પણ વખત શૂન્ય પર આઉટ થયો નથી. સાત વખત અણનમ પેવેલિયન પરત ફર્યો છે.

વિરાટ કોહલીઃ વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 26 મેચ રમ્યો છે. જેમાં 46.81ની એવરેજ અને 86.70ની સ્ટ્રાઇક રેટથી 1030 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 107 રન છે. ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી અને ચાર વખત અણનમ પેવેલિયન પરત ફર્યો છે.

વિરેન્દ્ર સેહવાગઃ વીરેન્દ્ર સેહવાગે પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડકપમાં 22 મેચ રમ્યો છે. જેમાં 38.31ની એવરેજ અને 106.17ની સ્ટ્રાઇક રેટથી 843 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 175 રન છે. તે વર્લ્ડ કપમાં એક વખત શૂન્ય રને આઉટ થયો છે પણ ક્યારેય અણનમ પેવેલિયન પરત ફર્યો નથી.

સૌરવ ગાંગુલીએ 146 વન-ડેમાં ભારતીય ટીમની આગેવાની કરી

સચિન તેંડુલકરે 73 વન-ડેમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી છે. જ્યારે સૌરવ ગાંગુલીએ 146 વન-ડેમાં ભારતીય ટીમની આગેવાની કરી છે. આ સિવાય રાહુલ દ્રવિડ 79 વન-ડેમાં, વિરાટ કોહલીએ 95 વન ડેમાં, રોહિત શર્મા 26 વન-ડેમાં ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. આ સાથે જ શિખર ધવન અને વીરેન્દ્ર સહેવાગે 12-12 વન-ડેમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ