World Cup 2023, Ind vs Aus final match, Australia Champions : ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને રવિવારે છઠ્ઠી વખત ટ્રોફી જીતીને ODI વર્લ્ડ કપમાં પોતાનો અનોખો રેકોર્ડ લંબાવ્યો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ બે મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. આગામી સતત નવ મેચ જીતીને ચેમ્પિયન બન્યું. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ફાઇનલમાં ભારત સામે છ વિકેટે મળેલી જોરદાર જીતનો સમાવેશ થાય છે.
કોણે વિચાર્યું હશે કે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પહેલી બે મેચમાં ખરાબ રીતે પરાજય પામેલી કાંગારૂ ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનશે. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને અને ફાઇનલમાં ભારતને હરાવશે. પ્રથમ 2 મેચમાં હાર બાદ પેટ કમિન્સની ઘણી ટીકા થઈ હતી. કોઈએ વિચાર્યું ન હતું કે તે આ રીતે પુનરાગમન કરશે. કમિન્સના નેતૃત્વમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાંગારુ ટીમે સમજાવ્યું કે શા માટે તેની ગણતરી ચેમ્પિયન ટીમોમાં થાય છે. શા માટે તે સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે?
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની સફર પર એક નજર
- 1લી મેચ: ઓસ્ટ્રેલિયા ચેન્નાઈમાં ભારત સામે છ વિકેટે હારી ગયું.
- બીજી મેચઃ લખનૌમાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે 134 રનથી હારી ગયું.
- ત્રીજી મેચઃ લખનૌમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું.
- ચોથી મેચ: ઓસ્ટ્રેલિયાએ બેંગલુરુમાં પાકિસ્તાનને 62 રને હરાવ્યું.
- પાંચમી મેચઃ ઓસ્ટ્રેલિયાએ દિલ્હીમાં નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું.
- છઠ્ઠી મેચઃ ઓસ્ટ્રેલિયાએ ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું.
- સાતમી મેચઃ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રનથી હરાવ્યું.
- આઠમી મેચઃ ઓસ્ટ્રેલિયાએ પુણેમાં અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું.
- નવમી મેચ: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું.
- સેમિફાઇનલ: ઓસ્ટ્રેલિયાએ કોલકાતામાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું.
- ફાઈનલ: અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું.
20 વર્ષ પછી મળ્યું તે જ દર્દ
ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2023માં ટીમ ઇન્ડિયા ફરી પોતાની ધરતી પર આવી જ સિદ્ધિ મેળવશે. પરંતુ ફાઇનલ મેચમાં બધુ જ બદલાઇ ગયું અને સતત જીતતી ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે વર્લ્ડકપની ફાઇનલ મેચ 2003માં રમાઇ હતી. તે સમયે કાંગારુ ટીમે રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં ભારતને હરાવ્યું હતું, હવે બરાબર 20 વર્ષ બાદ પેટ કમિન્સે પણ આવું જ કમાલ કરી અને ભારત સામે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ- ફાઇનલમાં પરાજય પછી ભાવુક થઇ ભારતીય ટીમ, રોહિત, વિરાટ, સિરાજ અને રાહુલની આંખમાં આવ્યા આંસુ
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.





