World Cup 2023 Australia vs South Africa Score : ક્વિન્ટોન ડી કોકની સદી (109)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે 134 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમા 7 વિકેટે 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 40.5 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો સતત બીજો પરાજય છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાનો સતત બીજો વિજય છે. ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં નવમાં સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ટોચના સ્થાને પહોંચી ગયું છે.
ઓસ્ટ્રેલિયાની કંગાળ શરૂઆત
મિચેલ માર્શ 7 રને આઉટ થતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત કંગાળ રહી હતી. ડેવિડ વોર્નર પર 13 રન બનાવી આઉટ થયો હતો. સ્ટિવન સ્મિથ (19) અને જોશ ઇંગ્લિસ (4) સસ્તામાં આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ 56 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. મેક્સવેલ પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 3 રને કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. સ્ટોઇનિસ 5 રને રબાડાનો ત્રીજો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 70 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. લાબુશેન (46) અને મિચેલ સ્ટાર્કે (27) થોડાક અંશે બાજી સંભાળી હતી. જોકે બન્નેના આઉટ થયા પછી પરાજય નિશ્ચિત બન્યો હતો. દક્ષિણ આફ્રિતા તરફથી કાગિસો રબાડાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના ઓપનર ડી કોક અને બાવુમાએ શાનદાર શરૂઆત અપાવતા 108 રનની ભાગીદારી નોંધાવી હતી. બાવુમા 35 રને મેક્સવેલનો શિકાર બન્યો હતો. ડુસેન 26 રને આઉટ થયો હતો. ડી કોકે બાજી સંભાળતા સદી ફટકારી હતી. આ વન-ડે વર્લ્ડ કપમાં તેની સતત બીજી સદી હતી. તેણે હર્ષલ ગિબ્સનો એક રેકોર્ડ તોડયો છે.
આ પણ વાંચો – પાકિસ્તાનને 31000 ફૂટની ઊંચાઇ પર મળ્યું સરપ્રાઇઝ, અમદાવાદમાં ગુલાબ સાથે સ્વાગત, વીડિયોમાં જુઓ
ડી કોકે વન-ડે ક્રિકેટ કારકિર્દીની 19મી સદી ફટકારી
ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે ઓપનર તરીકે 19મી સદી ફટકારી હતી. હવે તે ટીમ તરફથી ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે ટીમ માટે ઓપનર તરીકે 18 સદી ફટકારનાર હર્ષલ ગિબ્સને પાછળ રાખી દીધો છે. આ મામલે હાશિમ અમલા 27 સદી સાથે નંબર વન પર છે. ડી કોકે વન-ડે ક્રિકેટ કારકિર્દીની 19મી સદી ફટકારી હતી. ડી કોકે 106 બોલમાં 5 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા અને ગ્લેન મેક્સવેલની બોલિંગમાં આઉટ થયો હતો. ડી કોક પછી એડન માર્કરામે 44 બોલમાં 56 અને ક્લાસેને 29 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી.





