Angelo Mathews Timed Out : શ્રીલંકાનો ઓલરાઉન્ડર એન્જલો મેથ્યુસ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે વિચિત્ર અંદાજમાં આઉટ થયો હતો. મેથ્યૂઝ ક્રિઝ પર આવ્યો હતો અને ટાઇમ આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. બધા ચકિત થઇ ગયા હતા કે શું થયું હશે? સદીરા સમરાવિક્રમા આઉટ થયા બાદ મેથ્યૂસ મેદાન પર આવ્યો હતો. મેથ્યુસને અમ્પાયરે ‘ટાઇમ આઉટ’ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ખેલાડી આ પ્રકારે ‘ટાઈમ આઉટ’ આપવામાં આવ્યો હોય. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવી 6 ઘટના બની છે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ઘટના છે.
મેથ્યુઝની એક ભૂલ ભારે પડી
આ ઘટના શ્રીલંકાની ઈનિંગ્સ દરમિયાન 25મી ઓવરમાં બની હતી. આ ઓવર બાંગ્લાદેશની ટીમના કેપ્ટન અને સ્પિનર શાકિબ અલ હસને કરી હતી. શાકિબે બીજા જ બોલ પર સાદિરા સમરાવિક્રમાની વિકેટ ઝડપી હતી. આ પછી એન્જલો મેથ્યૂસ આગામી બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તેમની સાથે ગડબડી થઇ હતી.
મેથ્યુસ યોગ્ય હેલ્મેટ લાવી શક્યો ન હતો. તે ક્રીઝ પર આવ્યો અને સાથી ખેલાડીઓને બીજું હેલ્મેટ લાવવા માટે પેવેલિયન તરફ ઇશારો કર્યો હતો. આ દરમિયાન શાકિબે મેદાન પરના અમ્પાયરને ‘ટાઈમ આઉટ’ કરવાની અપીલ કરી હતી. વીડિયો જોઈને લાગી રહ્યું હતું કે પહેલા તો મેદાન પરના અમ્પાયરને લાગ્યું કે આ મજાક છે. જોકે શાકિબે કહ્યું કે તે ખરેખર અપીલ કરી રહ્યો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી, સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી
ત્યાર બાદ મેદાન પરના બંને અમ્પાયરોએ એકબીજા સાથે વાત કરી હતી અને મેથ્યુસને ‘ટાઇમ આઉટ’ આપ્યો હતો. આ રીતે શ્રીલંકાની ટીમે એક જ બોલ પર બે વિકેટ ગુમાવી દીધી હતી. એન્જેલો મેથ્યૂસે લાંબા સમય સુધી ફિલ્ડ અમ્પાયરો સાથે વાત કરી હતી. તેણે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન સાથે વાત કરીને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો. પરંતુ બાંગ્લાદેશના કેપ્ટને અપીલ પાછી ખેંચી ન હતી. અમ્પાયરના નિર્ણય બાદ મેથ્યૂસ નિરાશ થઈ ગયો હતો અને તેને બોલ રમ્યા વિના જ મેદાન છોડવું પડયું હતુ.
મેથ્યુઝ આ વાતથી ખૂબ જ ગુસ્સામાં હતો. જ્યારે તે શ્રીલંકાના ડગઆઉટ પાસે પહોંચ્યો ત્યારે તેણે હેલ્મેટ ફેંકી દીધું હતું. તે શ્રીલંકાના સપોર્ટ સ્ટાફ સાથે પણ ગુસ્સામાં વાત કરતો જોવા મળ્યો હતો.

ટાઈમ આઉટને લઈને શું છે નિયમો?
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પ્લેઇંગ કન્ડીશન પ્રમાણે જ્યારે વિકેટ પડે અથવા બેટ્સમેન રિટાયર્ડ થવા આગામી બેટ્સમેને 2 મિનિટની અંદર બોલને રમવા માટે તૈયાર રહેવું જોઈએ. જો આમ ન થાય તો ખેલાડીને ટાઈમ આઉટ આપી શકાય છે. મેથ્યુસને આવી રીતે ટાઇમ આઉટ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત કોઈ ખેલાડી ટાઈમ આઉટ થયો હતો.
આઈસીસીનો કાયદો 40.1 ટાઇમ આઉટ સાથે સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આને લઇને 3 મિનિટનો નિયમ છે પરંતુ વર્લ્ડ કપ 2023માં તેને 2 મિનિટનો રાખવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને અપીલ પાછી ખેંચી લીધી હોત તો મેથ્યુસને આઉટ આપવામાં આવ્યો ન હોત, પરંતુ બાંગ્લાદેશે તેમ કર્યું ન હતું. જો કોઈ અપીલ ન થઈ હોત અથવા તેને પાછી ખેંચી લેવામાં આવી હોત તો તે બચી શક્યો હોત. સમરવિક્રમા અને મેથ્યુસને આઉટ થતાં 5 મિનિટ લાગી હતી. સમરવિક્રમા ભારતીય સમય પ્રમાણે સાંજે 3.49 વાગ્યે આઉટ થયો હતો. મેથ્યુઝ 3.54 વાગ્યે આઉટ થયો હતો.





