World Cup : વર્લ્ડ કપ પહેલા બધા મેદાનોમાં સુધારો કરવામાં આવશે, બીસીસીઆઈ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે

World Cup 2023 : સ્ટેડિયમમાં એલઇડી લાઇટથી લઇને સીટો બદલવામાં આવશે. બોર્ડ દરેક સ્ટેડિયમને 50 કરોડ રુપિયા આપવા જઈ રહ્યું છે

Written by Ashish Goyal
June 30, 2023 15:19 IST
World Cup : વર્લ્ડ કપ પહેલા બધા મેદાનોમાં સુધારો કરવામાં આવશે, બીસીસીઆઈ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે (File)

World Cup 2023 : ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપને આડે હવે 100 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ટીમો પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. બીસીસીઆઈ પણ યજમાની માટે પૂરી રીતે તૈયાર છે. વર્લ્ડ કપ પહેલા બીસીસીઆઈ તમામ સ્ટેડિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જ્યાં મેચો રમાવાની છે. આ માટે બીસીસીઆઇએ 500 કરોડથી વધુનું બજેટ રાખ્યું છે.

દરેક સ્ટેડિયમને 50 કરોડ રુપિયા મળશે

વર્લ્ડ કપના મુકાબલા અમદાવાદ, ચેન્નઈ, મુંબઈ, ધર્મશાલા, દિલ્હી, પૂણે, બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ અને કોલકાતામાં રમાશે. આ સાથે જ ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં વોર્મઅપ મેચનું આયોજન કરવામાં આવશે. દરેક સ્ટેડિયમની જરુરિયાતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ એક યોજના તૈયાર કરી છે. સ્ટેડિયમમાં એલઇડી લાઇટથી લઇને સીટ બદલવામાં આવશે. બોર્ડ દરેક સ્ટેડિયમને 50 કરોડ રુપિયા આપવા જઈ રહ્યું છે.

વાનખેડેમાં કોર્પોરેટ બોક્સને અપગ્રેડ કરવામાં આવશે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વરસાદના કારણે ભીના આઉટ ફિલ્ડની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં આ મેદાન પર આઉટફિલ્ડને ફરીથી બદલવામાં આવશે. તેમજ ગ્રાઉન્ડની એલઇડી લાઇટ્સ અને કોર્પોરેટ બોક્સને અપગ્રેડ કરવામાં આવશે. છત વગરના સ્ટેન્ડને પણ અપગ્રેડ કરવામાં આવશે. પાર્કિંગની જગ્યા વધારવામાં આવશે અને બેઠકો પણ બદલવામાં આવશે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ

ચેન્નઈમાં નવી પીચ બનાવવામાં આવશે

ચેન્નઈના એમએ ચિદમ્બરમમાં બે નવી લાલ માટીની પિચ બનાવવામાં આવશે. આઇપીએલ દરમિયાન આ મેદાનની પિચની ઘણી ટીકા થઇ હતી. સાથે જ અહીં નવી ફ્લડલાઈટ્સ લગાવવામાં આવશે. બાથરૂમથી લઈને સ્ટેન્ડની સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

ભારત 2011 બાદ 11 વર્ષ પછી વન-ડે વર્લ્ડકપની યજમાની કરશે. ગત વખતે જ્યારે ભારતને યજમાની મળી હતી ત્યારે તે વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશિપમાં ફરી આવું પરાક્રમ કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ