World Cup 2023 Final : ભારતીય ક્રિકેટ ટીમનો રવિવારે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે પરાજય થયો હતો. જે પછી ચાહકોના એક વર્ગે ટીમને ‘ચોકર્સ’ (મહત્વની મેચમાં હારનારી ટીમ) કહેવાનું શરૂ કર્યું છે. પરંતુ મનોવૈજ્ઞાનિકોએ રમતના મેદાન પર તેને માત્ર એક ખરાબ દિવસ ગણાવ્યો હતો. વન-ડે વર્લ્ડ કપમાં શરૂઆતની 10 મેચમાં જોરદાર જીત નોંધાવ્યા બાદ વર્લ્ડ કપમાં ભારતીય જીતની આશા કરોડો ચાહકો રાખી રહ્યા હતા. પરંતુ ફાઇનલમાં ફરી એકવાર ટીમને નિરાશા સાંપડી હતી. ભારતે છેલ્લે 2013માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં આઇસીસી ટ્રોફી જીતી હતી. આ પછી ટીમ પાંચ આઇસીસી ફાઇનલ અને ચાર સેમિ ફાઇનલમાં હારી ગઇ છે.
આઇસીસીની ફાઇનલ મેચ અને નોકઆઉટ મેચોમાં સતત કંગાળ દેખાવ બાદ હવે એ સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું તે ભારતીય ટીમ માટે એક ખરાબ દિવસ હતો કે પછી ખેલાડીઓ ખરેખર આવી મેચોમાં દબાણ અનુભવી રહ્યા છે. સ્પોર્ટ્સ મનોવૈજ્ઞાનિક ગાયત્રી વર્તકે કહ્યું કે આ દબાણ વેરવિખેર થઇ જવાનો મુદ્દો નથી.
ઓસ્ટ્રેલિયા શાનદાર રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યું હતું
ઓસ્ટ્રેલિયા તે દિવસે વધુ સારી વ્યૂહરચના સાથે મેદાનમાં આવ્યું હતું. તેમણે પીટીઆઈ ભાષાને કહ્યું કે મને નથી લાગતું કે ટીમ ક્યાંયથી પણ માનસિક રીતે વેરવિખેર લાગતી હતી. મને નથી લાગતું કે તેઓ દબાણમાં પ્રદર્શન કરી શક્યા નથી. તે બધા ટૂર્નામેન્ટમાં સકારાત્મક રીતે આવ્યા હતા અને ફાઇનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક ખેલાડી તરીકે તમારી પાસે ત્રણ વર્ષ અગાઉ રમાયેલી મેચની નહીં પણ અંતિમ મેચની યાદો હોય છે. અહીં પાછલી મેચ સેમિ ફાઈનલ હતી જેમાં ટીમે જીત મેળવી હતી.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી
માનસિક તૈયારી મહત્વપૂર્ણ
ફોર્ટિસ હોસ્પિટલના સ્પોર્ટસ સાયકોલોજિસ્ટ દિયા જૈને કહ્યું કે મોટી મેચનું દબાણ ટોચના ખેલાડીઓને ભારે પડી શકે છે પણ ભારતના પર્ફોમન્સની ઉજવણી થવી જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ ટીમનો દિવસ ખરાબ હોઈ શકે છે, તેવો સ્વીકાર કરવો અને તેમાંથી શીખવું મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા પાસે એક યોજના હતી અને તેઓ તેને વળગી રહ્યા હતા, પોતાના પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ વસ્તુઓને નિયંત્રણમાં રાખી. મોટી મેચોનું દબાણ એક નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને માનસિક તૈયારી મહત્વની છે.
આ વિશ્લેષણનો સમય નથી
દિયા જૈને કહ્યું કે આ વિશ્લેષણનો સમય નથી, પરંતુ ઉજવણી કરવાનો સમય છે. વર્લ્ડ કપ ફાઈનલિસ્ટ બનવું અને સતત 10 મેચો જીતવી એ નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતમાં ક્રિકેટ ખેલાડીઓની સ્થિતિ મોટા હીરો જેવી છે. ઘણા ચાહકો આ ખેલાડીઓની પૂજા કરે છે અને તેમની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે.
ભારતીય પ્રશંસકો ખેલાડીઓ માટે ઇંધણનું કામ કરે છે
વર્તકે કહ્યું કે ખેલાડીઓ માટે ભારતીય ચાહકો ઇંધણના રૂપમાં કામ કરે છે. તેમનું કનેક્શન ખૂબ જ ભાવુક હોય છે. તેઓ ટિકાકાર હોઈ શકે છે પરંતુ તેઓ ખૂબ મદદરૂપ પણ છે. ચાહકોનું વર્તન આપણને જણાવે છે કે સામાન્ય રીતે તેઓ ખેલાડીઓની પૂજા કરે છે.





