World Cup 2023 Final : વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એક પરંપરા જાળવી રાખી છે. મોટી મેચમાં ટીમની હાર પછી દ્રવિડ હંમેશા પ્રેસ કોન્ફરન્સ માટે આવે છે અને રવિવારે પણ તે PC માટે આવ્યો હતો. આ દરમિયાન દ્રવિડે કહ્યું કે આ હારથી ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. રોહિત સહિત ટીમના ઘણા ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યા ન હતા. દ્રવિડે આ દરમિયાન સમગ્ર ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કોચના રૂપમાં આ જોવું ખૂબ મુશ્કેલ હતું- દ્રવિડ
ડ્રેસિંગ રૂમના માહોલનો ઉલ્લેખ કરતા રાહુલ દ્રવિડે કહ્યું કે આ હારથી ખેલાડીઓ તૂટી ગયા છે. રોહિત સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ છે અને કોચ તરીકે મારા માટે આ જોવું ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા માથું નમાવીને સીધો ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. લાગણીઓના પૂરને તેણે પોતાની અંદર રાખ્યું હતું અને તેને વ્યક્ત થવા દીધું ન હતું પણ તેનો ચહેરો બધું જ કહી દેતો હતો.
કાલે સવારે સૂજર અવશ્ય નીકળશે – દ્રવિડ
રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મારા માટે ખેલાડીઓને નિરાશ જોવું ખૂબ મુશ્કેલ છે. હું જાણું છું કે અહીં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી અને ઘણા બલિદાન આપ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે તમે તેમને વ્યક્તિગત રૂપે જાણો છો ત્યારે આ ખેલાડીઓને ઉદાસ જોવા ખૂબ મુશ્કેલ છે. આ દરમિયાન દ્રવિડે કહ્યું કે આજે સારી રમત રમનારી ટીમ જ મેચ જીતી શકી છે. હારથી અમે ચોક્કસપણે તૂટી ગયા છીએ, પરંતુ લડવાનું બંધ કર્યું નથી. ક્રિકેટમાં એવું બને છે કે જે ટીમ વધુ સારી રીતે રમે છે તે જીતે છે અને મને ખાતરી છે કે કાલે સવારે સૂરજ અવશ્ય નીકળશે.
આ પણ વાંચો – રોહિત શર્માના આઉટ થયા પછી બાઉન્ડ્રી લગાવવાનું ભૂલ્યા ભારતીય ખેલાડીઓ
અમે આ હારમાંથી શીખીશું – રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ જરૂરી છે જેથી તે તે અનુભવમાંથી શીખી શકે અને ક્રિકેટર તરીકે આગળ વધે. દ્રવિડે કહ્યું કે અમે આ હારમાંથી શીખીશું, વિચાર કરીશું અને આગળ વધીશું. એક ખેલાડી તરીકે તમે તે જ કરશો. તમારી પાસે રમતમાં કેટલીક મહાન સિદ્ધિઓ છે અને કેટલીક ખામીઓ પણ છે. પરંતુ તમે તે ખામીઓ પર કામ કરો અને આગળ વધો. આગળ વધતા રહો.
ઓસ્ટ્રેલિયા ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બન્યું છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી ટ્રેવિસ હેડની સદી (137) અને માર્નશ લાબુશેનની અડધી સદીની (58) મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારત 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.





