Devendra Pandey, Nirmal Harindran : ભારતમાં યોજાઈ રહેલી વર્લ્ડ કપની મેચોની ટિકિટોની ઘણી મારામારી છે. ભારતીય ક્રિકેટ ટીમની જ નહીં પરંતુ મોટાભાગની ટીમોની મેચોની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે. આ દરમિયાન ભાજપે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પ્રથમ મુકાબલા માટે 40000 હજાર મહિલાઓને મફત ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ મહિલાઓને મફત ચા અને લંચ પણ આપવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પૈસા ક્યાંથી આવ્યા તો ભાજપના પ્રવક્તાએ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો.
40 હજાર ટિકિટ આપવામાં આવશે
બોડકદેવના ભાજપના ઉપાધ્યક્ષ લલિત વાધવાએ જણાવ્યું હતું કે આ નિર્ણય ગયા મહિને સંસદમાં પાસ થયેલા મહિલા અનામત બિલથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે ગુરુવારે અમદાવાદની લગભગ 30 થી 40 હજાર મહિલાઓ સ્ટેડિયમમાં મેચ જોશે. અમારા સ્વયંસેવકોએ નામ માંગ્યા હતા અને આજે તેમને ટિકિટ આપવામાં આવશે. ટિકિટો ઉપરથી આવી છે. 33 ટકા મહિલા અનામત બિલ પણ પાસ થઈ ગયું છે. આ મહિલાઓ જાતે જ સ્ટેડિયમ પહોંચશે. તેમને ત્યાં ભોજન અને ચાની કૂપન પણ આપવામાં આવશે.

ભાજપને છે આશા
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે અમે તેમને સ્ટેડિયમમાં લાવવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરી નથી. તે મોટી સંખ્યામાં આવે તો સારું રહેશે. થોડા દિવસ પહેલા ભાજપના વોર્ડ સભ્યોએ પોતાના કાર્યકર્તાઓ પાસે તે મહિલાઓના નામ માંગ્યા હતા જે વર્લ્ડ કપની મેચ જોવા માંગે છે. ત્યારબાદ આ નામ અને તેમના નંબર લોકલ નેતાને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023ની ટિકિટોને લઇને ઘણો ક્રેઝ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ જોડી લીધા હાથ!
ચા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે
મેસેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ ટિકિટ માત્ર મહિલાઓને જ આપવામાં આવશે. ટોકન પણ આપવામાં આવશે, જેમાં બે ટોકન ચા માટે અને એક ફૂડ પેકેટ માટે હશે. ગુજરાત ક્રિકેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે શાળાના બાળકોને પણ બોલાવવામાં આવ્યા છે. જોકે ટિકિટના પૈસા કોણે આપ્યા તે અંગે કોઇએ જણાવ્યું ન હતું.
ખાલિસ્તાની અલગાવવાદીઓ તરફથી ધમકી મળ્યા બાદ વર્લ્ડ કપની પહેલી મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં 3500 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. સેક્ટર-1ના જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરાડિયાએ બુધવારે જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે અનેક સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.





