World Cup 2023 Final : વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ પહેલા ભારતીય ટીમની પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીને સચિન તેંડુલકર તરફથી ઘણી ખાસ ગિફ્ટ મળી હતી. સચિન તેંડુલકરે વિરાટ કોહલીને 2012માં ભારત તરફથી રમેલી પોતાની અંતિમ વનડે મેચની જર્સી ભેટમાં આપી હતી. જર્સી પર સચિન તેંડુલકરની સહી હતી. સાથે નીચે લખ્યું હતું કે વિરાટ તમે અમને ગૌરવ અપાવ્યું છે.
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો સૌથી વધુ વન ડે સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી સચિન તેંડુલકરની સાથે ભારતની 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. 50 ઓવરના ફોર્મેટમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યા પછી વિરાટ કોહલીએ સૌથી પહેલા સચિન તેંડુલકરને સેલ્યૂટ કર્યું હતું.
વિરાટ કોહલી વર્લ્ડ કપમાં 700 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો
વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે વન-ડે વર્લ્ડ કપમાં 700થી વધુ રન ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર બની ગયો છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં 11 મેચની 11 ઇનિંગ્સમાં 95.62ની એવરેજ અને 90.31ની સ્ટ્રાઇક રેટથી 765 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 68 ફોર અને 9 સિક્સર ફટકારી છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો
ફાઇનલમાં વિરાટ કોહલીની અડધી સદી
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. વિરાટે 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવ્યા હતા.





