World Cup 2023 Ind vs AUS Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કાંગારુ ટીમનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોની સામે ભારતીય બેટ્સમેનો લાચાર જણાતા હતા. રોહિત શર્મા (47), વિરાટ કોહલી (54) અને કેએલ રાહુલ (66) સિવાય કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
ભારતે પ્રથમ 10 ઓવરની અંદર 12 બાઉન્ડ્રી ફટકારી હતી
ક્રિઝ પર જ્યારે રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો ત્યાં સુધીમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો. પરંતુ તે આઉટ થતાની સાથે જ ચોગ્ગા-છગ્ગાનો દુષ્કાળ પડ્યો હતો. ભારતીય ઈનિંગ્સની પ્રથમ 10 ઓવરની અંદર જ 12 બાઉન્ડ્રી ફટકારી દેવામાં આવી હતી. જેમાં રોહિત શર્માની 3 સિક્સર પણ સામેલ હતી. રોહિતે પોતાની 47 રનની ઇનિંગ્સમાં 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રોહિતના આઉટ થયા બાદ બાઉન્ડ્રીનો દુષ્કાળ પડ્યો હતો. આ પછીની 40 ઓવરમાં કુલ 4 બાઉન્ડ્રી જ આવી હતી, જેમાં એક પણ સિક્સર ન હતી.
આ પણ વાંચો – કોહલી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો, પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માના આઉટ થયા પછી બાદ 5 બેટ્સમેને ફટકારી 1-1 ફોર
રોહિત શર્માના આઉટ થયા બાદ માત્ર રનની ગતિ ધીમી પડી ગઇ હતી અને બાઉન્ડ્રી પણ આવતી બંધ થઈ ગઈ હતી. રોહિતની વિકેટ બાદ વિરાટ કોહલીએ 1 બાઉન્ડ્રી ફટકારી હતી. આ પછી શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર, શમી અને સિરાજે 1-1 ફોર ફટકારી હતી. કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા, જેના માટે તે 107 બોલ રમ્યો હતો. રાહુલે આ ઇનિંગમાં માત્ર 1 ચોગ્ગો ફટકાર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. હેઝલવુડ,કમિન્સને 2-2 વિકેટ, જ્યારે મેક્સવેલ-ઝમ્પાને 1-1 વિકેટ મળી હતી.