IND vs BAN: વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે અણનમ 103 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન 77 રન બનાવ્યા તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. આ ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયો હતો. તેણે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ રાખી દીધો હતો.
આ મેચમાં કોહલીએ પોતાની ODI કરિયરની 48મી સદી ફટકારી હતી અને અણનમ રહીને તેણે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારતે બાંગ્લાદેશ સામેની આ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. કોહલી વનડે વર્લ્ડ કપમાં પડકારનો પીછો કરતી વખતે પોતાની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
વિરાટ કોહલી સૌથી ઝડપી 26,000 રન બનાવનાર પ્લેયર બન્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં 26,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે 567મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને 600 ઇનિંગ્સમાં 26,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. આ સિવાય કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીએ 6 વર્ષ પછી વન-ડેમાં બોલિંગ કરી, જાણો કેમ કરવી પડી ઓવર
સૌથી ઝડપી 26000 આંતરરાષ્ટ્રીય રન (ઈનિંગ્સ દ્વારા)
567 ઇનિંગ્સ – વિરાટ કોહલી 600 ઇનિંગ્સ – સચિન તેંડુલકર 624 ઇનિંગ્સ – રિકી પોન્ટિંગ 625 ઇનિંગ્સ – કુમાર સંગાકારા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન
34357 રન – સચિન તેંડુલકર (782 ઇનિંગ્સ) 28016 રન – કુમાર સંગાકારા (666 ઇનિંગ્સ) 27483 રન – રિકી પોન્ટિંગ (668 ઇનિંગ્સ) 26026 રન – વિરાટ કોહલી (567 ઇનિંગ્સ) 25957 રન – મહેલા જયવર્દને (725 ઇનિંગ્સ)
વિરાટ કોહલીની 48મી સદી
આ મેચમાં કોહલીએ 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ત્યારબાદ તેણે 97 બોલમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ વર્લ્ડ કપમાં પીછો કરતી વખતે પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ મેચમાં તેણે 97 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 103 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે કોહલીની આ બીજી સદી હતી. કોહલીની ODI કારકિર્દીમાં આ 48મી સદી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 78મી સદી હતી. વન-ડે વર્લ્ડ કપમાં કોહલીની આ ત્રીજી સદી હતી.
ભારત માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
7 – રોહિત શર્મા 6 – સચિન તેંડુલકર 4 – સૌરવ ગાંગુલી 3 – શિખર ધવન 3 – વિરાટ કોહલી





