World Cup 2023, India vs Pakistan : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023નો હાઇ પ્રોફાઇલ મુકાબલો રમાવાનો છે. આ મેચ પહેલા ક્રિકેટ પ્રશંસકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. વર્લ્ડ કપની મેચ સિવાય વરસાદ નવરાત્રીમાં પણ ખલેલ પહોંચાડી શકે છે. 15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે અને આ દિવસે વરસાદની આગાહી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા હવામાન અપડેટ અનુસાર 14 અને 15 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત અને અમદાવાદના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે, પરંતુ અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબરે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.’
તેમણે કહ્યું હતું કે આકાશ વાદળછાયું રહેશે. બીજા દિવસે એટલે કે 15 ઓક્ટોબરે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 16 ઓક્ટોબરે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. તે દિવસે પણ અમદાવાદમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો – પાકિસ્તાનને 31000 ફૂટની ઊંચાઇ પર મળ્યું સરપ્રાઇઝ, અમદાવાદમાં ગુલાબ સાથે સ્વાગત
જીસીએ ભારત-પાકિસ્તાન મેચની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાંથી એકનું આયોજન કરવા તૈયાર છે. ધનરાજ નથવાણીએ કહ્યું કે આ હાઈ-વોલ્ટેજ મેચ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
ધનરાજ નથવાણીએ એમ પણ કહ્યું કે GCA ઓપનિંગ અને ફાઇનલ મેચ તેમજ ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મહત્વપૂર્ણ મેચનું આયોજન કરવા માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમણે જીસીએને ભારત-પાકિસ્તાન મેચની યજમાની કરવાની તક આપવા બદલ BCCIનો પણ આભાર માન્યો હતો. એક નિવેદનમાં ધનરાજ નથવાણીએ કહ્યું કે વર્લ્ડ કપની શરૂઆતની મેચ અને ફાઇનલ મેચની સાથે આ એક મહત્વપૂર્ણ મેચ છે અને અમે આ માટે BCCIના આભારી છીએ.