world cup 2023, IND vs AFG : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની 9મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો ટકરાવા માટે તૈયાર છે. આ મેચ બુધવારે 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટોસનો સમય બપોરે 1.30 વાગ્યાનો છે. આ મેચ બંને ટીમો માટે મોટી તક છે. ભારતીય ટીમની વાત કરીએ તો પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવી વર્લ્ડ કપના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. જોકે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે અફઘાનિસ્તાન સામે ફોર્મમાં આવવાનો પ્રયત્ન કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ 11માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં ઈશાન કિશને પણ તકનો લાભ ઉઠાવવો જોઈએ. ભારત માટે પોતાની NRR (નેટ રન રેટ) વધારવાની પણ આ એક મોટી તક છે.
અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચમાં વધુ એક હાર વર્લ્ડ કપ 2023માં તેમનો રસ્તો મુશ્કેલ બનાવી શકે છે. જોકે અફઘાનિસ્તાનની તાકાત તેમની બોલિંગ છે. ભારત અને અફઘાનિસ્તાન વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં અત્યાર સુધીમાં ત્રણ વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમે 2 મેચ જીતી છે અને એક મેચ ટાઈ રહી છે.
આ પણ વાંચો – શુભમન ગિલ વર્લ્ડ કપમાંથી પણ થઈ શકે છે બહાર, ભારત-અફઘાનિસ્તાન મેચ બાદ પસંદગીકારોની બેઠક
કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે દિલ્હીમાં વરસાદનું કોઈ જોખમ નથી. બપોરે તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે અને સાંજે તે ઘટીને 30 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ભેજનું સ્તર 50% આસપાસ રહેવાની ધારણા છે અને પવનની ઝડપ 13 કિમી/કલાકની આસપાસ રહી શકે છે. બીજી ઇનિંગ્સ દરમિયાન ઝાકળ પડવાની સંભાવના છે. ઝાકળને કારણે બોલ ભીનો થઈ જાય છે જેના કારણે બોલરની ગતિ ઓછી થઈ જાય છે. બોલ અટકી જાય છે. આનાથી બેટ્સમેનને શોટ રમવામાં સરળતા રહે છે.
પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમની પીચ ધીમી છે. તે બેટ્સમેનો માટે અનુકૂળ પરિસ્થિતિઓ માટે જાણીતું છે. પિચ શુષ્ક છે અને બાઉન્ડ્રી નાની છે. આ કારણે બેટ્સમેન માટે ચોગ્ગા અને છગ્ગા મારવાનું સરળ બની જાય છે. આ જેમ-જેમ મેચ આગળ વધશે તેમ પીચની શુષ્ક પ્રકૃતિનો ફાયદો સ્પિનરોને પણ થઈ શકે છે. પિચની આ સ્થિતિઓને જોતાં ટોસ જીતનારી ટીમો માટે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. વધારે સ્કોરબોર્ડ સ્કોર કર્યા પછી સ્પિનરો માટે અનુકૂળ પરિસ્થિતિઓનો લાભ લઈને લક્ષ્યનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે.





