World Cup 2023 India vs Australia Final : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ રવિવારે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જેણે 2003માં ભારત પાસેથી વર્લ્ડ કપ છીનવી લીધો હતો. ભારત ભલે પરફેક્ટ 10 સાથે ફાઇનલમાં પહોંચ્યું હોય પરંતુ તેને ઓસ્ટ્રેલિયા કરતાં વધુ સ્માર્ટ બનવાની જરૂર છે. ખાસ કરીને તેના પાંચ ખેલાડીઓથી સાવધ રહેવું પડશે. જે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનતા રોકી શકે છે.
ડેવિડ વોર્નર – ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરનું દિલ ભારતમાં છે. તે માત્ર બોલિવૂડના ડાયલોગ્સ જ નહીં પરંતુ ભારતીય પિચો પણ સારી રીતે જાણે છે અને સમજે છે. વોર્નરે 10 મેચમાં 52.80ની એવરેજથી 528 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 107.53 નો છે. તેને જલ્દી આઉટ કરવો ભારતના ફાયદામાં રહેશે.
એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરે આ વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી છે. તેણે 10 મેચમાં 22 વિકેટ લીધી છે. તેણે શ્રીલંકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે 4-4 વિકેટ ઝડપી હતી. તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે 3-3 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં તેણે ઈંગ્લેન્ડ સામે 29 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ પણ રમી હતી. ભારતીય ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઝમ્પાની સ્પિનથી બચીને રહેવું પડશે.
પેટ કમિન્સ – ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપમાં 10 મેચમાં 13 વિકેટ ઝડપી છે. ટીમ ઈન્ડિયાએ માત્ર કમિન્સની બોલિંગથી જ નહીં પરંતુ તેની બેટિંગથી પણ સાવચેત રહેવાની જરૂર છે. કમિન્સ માત્ર વિકેટ જ સાચવી શકતો નથી તે યોગ્ય સમયે મોટા શોટ પણ રમે છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 37 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 22 રનની ઇનિંગ્સ રમી હતી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે એર શો
ગ્લેન મેક્સવેલ – જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો આ ઓલરાઉન્ડર ક્રિઝ પર હોય ત્યાં સુધી ટીમ ઈન્ડિયા રાહતનો શ્વાસ લઈ શકશે નહીં. તેણે જે રીતે અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી તેણે બતાવ્યું કે તેના માટે કોઈ લક્ષ્ય અશક્ય નથી. મેક્સવેલના નામે છ વિકેટ પણ છે. તે બોલિંગમાં પણ ઉપયોગી બની શકે છે. મેક્સવેલે 8 મેચમાં 398 રન બનાવ્યા છે. ઈજાના કારણે તે બે મેચ રમી શક્યો ન હતો.
ટ્રેવિસ હેડ – જ્યારથી હેડ ઈજા બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે ત્યારથી તે વિરોધીઓ માટે કાળ બની રહ્યો છે. તેણે 5 મેચમાં 38.40ની એવરેજથી 192 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે તેની 109 રનની તોફાની ઇનિંગ્સ ભારતને ચેતવણી આપવા માટે પૂરતી હતી. તે લીગ રાઉન્ડમાં ભારત સામે રમ્યો ન હતો તેથી ભારતે વધુ સાવધ રહેવાની જરૂર છે.
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીઓનું પ્રદર્શન
ખેલાડી મેચ રન વિકેટ ડેવિડ વોર્નર 10 528 – એડમ ઝમ્પા 10 48 22 ટ્રેવિસ હેડ 5 192 2 પેટ કમિન્સ 10 128 13 ગ્લેન મેક્સવેલ 8 398 5